ગાંધીધામ, તા. 31 : ગાંધીધામ મહાનગરપાલિકાની આવતીકાલે
મળનારી બીજી સામાન્ય સભામાં કોર્પોરેશન વિસ્તારની આંગણવાડીઓ હસ્તાંતરણ કરવા ઉપરાંત કેબિનધારકો માટે તેમજ વેન્ડર ઝોન હેન્ડઓવર
કરવા સહિતના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ સામાન્ય સભામાં વિપક્ષ પણ નબળી
ગુણવત્તાના માર્ગો સહિતના અનેક મુદ્દે સત્તા પક્ષને ભેરવાનું આયોજન બનાવી ચૂક્યો છે.
આ અંગેની મળતી વિગતો મુજબ પહેલી સપ્ટેમ્બરના મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી રહી છે, તેમાં ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો તેમજ કોર્પોરેશનમાં
સમાવાયેલા 11 ગામડા સહિત
188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
આવેલી 195 આંગણવાડી હસ્તાંતરણ કરવા બાબતે
નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ અને સરકારી પ્રાથમિક શાળાઓ
બાબતે આગામી સમયમાં કોઈ નિર્ણય લેવાય તે પણ જરૂરી છે. આ ઉપરાંત ઓસ્લો રોડ ઉપર કેબિનોના
દબાણો દૂર કર્યા હતા તેના પુન:વસન માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સેક્ટર 11માં શનિવારીની બાજુમાં પ્લોટની ફાળવણી કરવામાં
આવી છે ને અહીં કેબિનધારકોને પ્લોટ ફાળવવા અથવા તો વેન્ડિંગ ઝોન બનાવીને દુકાનો આપવા
સહિતનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે તેમજ ગાંધીમાર્કેટની જર્જરિત બિલ્ડિંગને તોડી
પાડવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.
તેના થકી મહાનગરપાલિકાને 11.21 લાખની આવક
થશે પણ અહીં નવેસરથી દુકાનો બનાવવા સહિતનો નિર્ણય લેવાનો છે. આ બાબતે સામાન્ય સભાની
મંજૂરી મળે છે કે કેમ તે જોવાનું રહ્યું છે આ સામાન્ય સભામાં કોર્પોરેટરોના માનદ વેતન
તેમજ ભથ્થાં મંજૂર કરવા, રેડક્રોસ પાસેનો
વેન્ડિંગ ઝોન, આદિપુર શાકમાર્કેટ હેન્ડઓવર લેવા સહિતના એજન્ડાઓ
ઉપર નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. આ સામાન્ય સભામાં વિપક્ષ પણ નબળી ગુણવત્તાના માર્ગો
તથા ડુપ્લિકેટ પ્રમાણપત્ર આપવા સહિતના મુદ્દાઓએ સત્તા પક્ષને ઘેરે તેવી સંભાવનાઓ છે.
જન્મ-મરણના દાખલા લેવામાં મુશ્કેલી
મહાનગરપાલિકામાંથી જન્મ-મરણના પ્રમાણપત્ર લેવામાં મુશ્કેલીઓ
ઊભી થઈ રહી છે. નવા પોર્ટલથી લોકોને ઝડપથી
દાખલા મળતા નથી. આ બાબતે સત્તાધીશો અને કમિશનર સામાન્ય સભા પછી તુરંત વિભાગીય વડા ડો.
સૂતરિયા સાથે ચર્ચા કરીને સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી છે. આ ઉપરાંત આરોગ્ય અધિકારી
સાથે અલગ-અલગ આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ બાબતે ચર્ચાઓ કરીને યોગ્ય પગલાં
ભરે તેવી માંગ ઊઠી છે.