નખત્રાણા, તા. 31 : તાલુકા મથકથી 15 કિ.મી.ના અંતરે રામપર
(સુમરી-રોહા)થી અબડાસા તાલુકાના કંડાય ગામ વચ્ચે કુદરતી સૌંદર્યની ગોદમાં નદી તટ પર
આવેલું પ્રાચીન શિવાલય નીલકંઠ (પિયોણી) મહાદેવ પરિસર ભાવિક શ્રદ્ધાળુઓની બારેમાસ આવન-જાવનથી
ગુંજતું રહે છે. પિયોણી મહાદેવથી પ્રસિદ્ધ આ શિવાલયે શ્રાવણ માસમાં પ્રતિ સોમવારે રૂદ્રાભિષેક, મહાઆરતી, મહાપ્રસાદ,
દર અમાવાસ્યે યોજાતી પ્રસિદ્ધ ભજનિક કલાકારોની સંતવાણીનો મોટી સંખ્યામાં
શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. આ પવિત્ર સંસ્થાન પિયોણી મહાદેવના મહંત પૂ.સ્વામિહેમગિરિ
ગુરુ ગજાનંદગિરિ મહાજન દ્વારા ગૌમાતા માટે ગૌશાળા, યાત્રી-દર્શનાર્થીઓ
માટે અન્નક્ષેત્ર, ચા-પાણી, શ્વાન-પક્ષીઓની
જીવદયા, બ્રહ્મલીન મહંત સ્વામિ ગંગાગિરિજી મહારાજ, બ્રહ્મલીન મહંત સ્વામિ અમરગિરિજી મહારાજ, બ્રહ્મલીન મહંત
સ્વામિ ગજાનંદગિરિજી મહારાજની નિર્વાણ તિથિની ઉજવણી, દિવાળી,
નૂતન વર્ષ, મહાશિવરાત્રિ જેવા પર્વોની ઊજવણી કરવામાં
આવે છે. આ પ્રાચીન શિવાલયે કરશન હમીર ખારોટ, પાલુભગત,
રામભગત, હરદાસભગત, કાકુભગત,
સામતભગત, વાઘજી રાઠોડ, બબામારાજ,
દેવપુરી ચેનપુરી, ખભુભગત, વેલજી ગજ્જર, નારાયણ સ્વામી, ઈસ્માઈલ
વાલેરા, પ્રાણલાલ વ્યાસ, મોરારદાન પાધક,
મુગુટલાલ જોશી જેવા નામી-અનામી કલાકારોએ સંતવાણીથી ભજનાનંદીઓનો પ્રભાવિત
કર્યા છે.