• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ભૂખી નદી નવસર્જન અભિયાનમાં વેગ

મુંદરા, તા. 31 : મુંદરા પંથકની જીવનરેખા સમાન ભૂખી નદીના પુનર્જીવન માટે ચાલી રહેલા `ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ'ની કામગીરીને સતત વેગ મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ  હવે જળસંચય, નદી પુન:સ્થાપન, ચેકડેમ પુનર્વસન, પર્યાવરણ સંવર્ધન અને ભૂગર્ભ જળસુરક્ષાને એકસાથે જોડતા સંકલિત મોડલ તરીકે ઊભરી રહ્યો છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના સીએસઆર સહયોગથી ગ્લોબલ કચ્છ-ક્રીડા અને કચ્છમિત્રના સહિયારા ઉપક્રમે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં ડિસલ્ટિંગ, બાંકિંગ અને પાચિંગની કામગીરીમાં કુલ છ લાખ ઘનમીટર કામ પૂર્ણ થયું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, કામગીરીની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીના કુદરતી વહેણને પુન:સ્થાપિત કરવા અને નદી કોરિડોરમાંથી ગાંડા બાવળ સહિતના અવરોધરૂપ ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરીમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 11 લાખ ચોરસ મીટર વિસ્તારની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે.

ચાર ચેક ડેમનું કાર્ય પ્રગતિ હેઠળ

આ ઉપરાંત ભૂખી નદી પર આવેલા મંગરા, વિરાણિયા, વાંકી અને મોટા કપાયા એમ ચાર ચેકડેમના પુનર્વસન અને સુધારણા કાર્ય અંતર્ગત જંગલ સફાઈ, સિમેન્ટ પ્લાસ્ટારિંગ અને ઊંડા કરવાનું ગહનકરણનું કાર્ય પણ પ્રગતિ હેઠળ છે.

છ ગામમાં વનીકરણ પ્રગતિ હેઠળ

આ પ્રોજેક્ટને માત્ર નદીના ગહનકરણ અને સફાઈ પૂરતો મર્યાદિત ન રાખતાં પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણીય પુન:સ્થાપન અને વનીકરણને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નદી કાંઠાના 10 ગામમાં કુલ 30 હજાર વૃક્ષ સાથે 10 મિયાવાકી પાર્ક વિકસાવવાની પહેલ હેઠળ હાલ પત્રી, પ્રાગપર, મોટા કપાયા, નાના કાંડાગરા, વિરાણિયા અને લાખાપર સહિતના ગામોમાં કામ પ્રગતિ હેઠળ છે. સમગ્ર વિસ્તારને જળસમૃદ્ધ, જૈવિક વૈવિધ્યસભર, પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના જીવંત કેન્દ્ર તરીકે વિકસાવવાની નેમ સાથે આ પાર્કસમાં વૃક્ષારોપણની સાથે સાથે ગઝેબો, વોક-વે, આરામદાયક બેસવાની વ્યવસ્થા, બાળકો માટેના ઝોન સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રોજેક્ટની કામગીરીમાં ગુણવત્તા અને પારદર્શક મોનિટરિંગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. દૈનિક અને માસિક પ્રગતિ અહેવાલો તેમજ ડ્રોન અને એરિયલ સર્વે દ્વારા કામગીરીની દેખરેખ રાખવામાં આવે છે, સાથે જ જીપીએસ આધારિત ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણ અને ભૂગર્ભ જળસ્તર તથા ટીડીએસ સમયાંતરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

નદીની જળવહન ક્ષમતા વધશે

આ સમગ્ર કામગીરી થકી ભૂખી નદીના કાંઠાના વાંકી, પત્રી, નાના કાંડાગરા, લાખાપર, વિરાણિયા, ટોડા, ભોરારા, પ્રાગપર, મોટા કપાયા અને મંગરા સહિતના ગામોને સીધો લાભ મળશે, જ્યારે આસપાસના અન્ય ગામોને પણ પરોક્ષ લાભ થવાની આશા છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં નદીની જળવહન ક્ષમતામાં વધારો, પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જમાં સુધારો, સિંચાઈની સંભાવનામાં વધારો, ધોવાણ અને સ્થાનિક પૂરનું જોખમ ઘટાડવામાં મદદ, જળસુરક્ષામાં વધારો તથા નદીના પર્યાવરણ અને જૈવિક વૈવિધ્યમાં સુધારો થવાની અપેક્ષા છે.

Panchang

dd