• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

ઓગસ્ટ કોરોધાકોડ : કચ્છમાં દાયકાનો બીજો સૌથી ઓછો વરસાદ

ભુજ, તા. 31 : અલ નીનોના આકરા પ્રભાવથી આ વખતે વરસેલા અપૂરતા વરસાદનાં કારણે દુષ્કાળનું સંકટ ફરી એકવાર મંડરાઇ રહ્યું છે. જુલાઇમાં થોડીઘણી મેઘવૃષ્ટિ થયા બાદ ઓગસ્ટ માસ કોરોધાકોડ પસાર થયો છે. વીતેલા દાયકામાં આ વર્ષના ઓગસ્ટ મહિનામાં બીજો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ન માત્ર રાજ્ય બલ્કે આખા દેશમાં વરસાદની અતિગંભીર અસરવાળા જિલ્લામાં કચ્છનો સમાવેશ કરાયો છે.

2021 પછી આ વર્ષનો ઓગસ્ટ સૌથી સૂકો

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગત અનુસાર 2015થી વર્તમાન 2026ની સાલના 12 વર્ષ એટલે કે એક દાયકા કરતાં વધુના ગાળામાં 2021માં ઓગસ્ટમાં માત્ર એક ટકો જ વરસાદ પડયો હતો. એ પછી આ વર્ષ એવું છે કે જેમાં ઓગસ્ટના પ્રથમ બે દિવસ વરસાદ પડયા પછી આખો મહિનો કોરો વીતતાં માત્ર 9 ટકા વરસાદની જ વૃદ્ધિ થઇ છે. 2018ના દુષ્કાળનાં વર્ષ સમયે પણ કચ્છમાં આ માસમાં 14 ટકા વરસાદ વરસ્યો હતો.

2021ના પુનરાવર્તનની આશા

2021ની સાલમાં ઓગસ્ટના અંત સુધી કચ્છમાં 31 ટકા વરસાદ જ પડયો હતો. જો કે, સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ વ્યાપક પ્રમાણમાં પડતાં આ એક જ માસમાં 70 ટકા વરસાદ પડી જતાં સરેરાશથી વધુ વરસાદ વરસવાનો ક્રમ જળવાયેલો રહ્યો હતો.

અલ નીનોના 10માંથી છ વર્ષ દુષ્કાળના

ભારતીય હવામાન વિભાગના 1980થી 2026નાં 46 વર્ષના પ્રાપ્ત આંકડાઓનું વિશ્લેષણ કરતાં એક વાત સામે આવી છે કે, આ ચાર દાયકા કરતાં વધુના ગાળામાં 10 વખત અલ નીનોની સ્થિતિ સર્જાઇ, તેમાંથી છ વર્ષ અછતના હતા. આ છ વર્ષમાં 1982, 1987, 1991, 2002, 2018 અને વર્તમાન 2026નો સમાવેશ થાય છે.

પશ્ચિમ કચ્છ અતિસંવેદનશીલ

કચ્છની ભૌગોલિક સંરચના, અલ નીનો સહિતનાં અન્ય પરિબળો તેમજ સૂકા પવનોના પ્રભાવનાં કારણે કચ્છમાં દુષ્કાળની સ્થિતિ સર્જાતી હોય છે. એક સમયે આ જિલ્લામાં લાગલગાટ તો ક્યારેક દર બે કે ત્રણ વર્ષે એક અછતનું આવી જતું. જળવાયુ પરિવર્તનનાં કારણે સ્થિતિ બદલતાં અછતના વર્ષ ઘટયા છે. આમ છતાં જ્યારે જ્યારે પણ ગુજરાત સહિત દેશમાં ઓછા વરસાદની સ્થિતિ સર્જાઇ ત્યારે પશ્ચિમ કચ્છના વિસ્તારોને અતિસંવેદનશીલ શ્રેણીમાં મુકાય છે. આ વર્ષ પણ ગુજરાતમાં ઓછો વરસાદ ધરાવતા વિસ્તારમાં અબડાસા અને લખપત તાલુકા સમાવિષ્ટ છે.

વરસાદની ઘટમાં સતત વધારો

કચ્છમાં ઓગસ્ટ માસ લગભગ વરસાદ વરસ્યા વિનાનો પસાર થતાં વરસાદની ઘટમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ કચ્છમાં વરસાદની 59 ટકાની ઘટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર પછી વરસાદની સૌથી વધુ ઘટ કચ્છમાં જોવા મળી રહી છે.

સૂકા પવનોએ સર્જ્યો અવરોધ

હવામાન નિષ્ણાતોના મતે ભેજના ઓછાં પ્રમાણમાં સૂકા પવનોનો પ્રભાવ વધતાં કચ્છ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાર્વત્રિક વરસાદ વરસવામાં અવરોધ ઊભો થયો છે. બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતી ન હોવાનાં કારણે કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. કચ્છમાં અત્યાર સુધી 30 ટકા વરસાદ જ પડયો છે.

Panchang

dd