• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

વૈકલ્પિક વ્યવસ્થા મુદ્દે ભુજ સુધરાઈમાં `હાઈવોલ્ટેજ ડ્રામા'

ભુજ, તા. 31 : શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ દરરેજ નવા-નવા મુદ્દાઓને પગલે ચર્ચામાં રહે છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોલીસ બંદોબસ્ત ન મળવા સહિતના કારણોસર થંભી ગયેલી ઝુંબેશ સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે, તો વૈકલ્પિક માંગ સાથે આજે સામાજિક આગેવાને નગરપાલિકાના બીજા માળે ચડી જઇ આત્મહત્યાના કથિત પ્રયાસ કરતાં મામલો ગરમાયો હતો. આ હાઇવોલ્ટેજ ડ્રામાનો પાંચેક કલાક બાદ અંત આવ્યો હતો. જો કે, તમામ બાબતોના અંતે એક વાત નક્કી છે કે તંત્ર આ વખતે મક્કમ છે. ભુજમાં એક તરફ લોકો દબાણ હટાવ ઝુંબેશને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે, વર્ષો બાદ માર્ગો અને ફૂટપાથ આમ નાગરિકો માટે ખુલ્લી થઇ છે. વળી, ખાલી ફૂટપાથ પર વાહનો ગોઠવાતાં તેના સામે પણ લોકો નારાજગી વ્યક્ત કરવા સાથે ઊલમાંથી ચૂલમાં પડયાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જો કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોલીસ બંદોબસ્ત ન મળવા, સુધરાઇના મુખ્ય અધિકારી વ્યસ્ત હોવા સહિતના કારણોસર ઠપ થયેલી ઝુંબેશને પગલે જાગૃતો શંકા-કુસંકા વ્યક્ત કરવા સાથે કહી રહ્યા છે કે, સુપ્રીમથી ઉપર તો કોઇ આશા નહીં રહે. હવે જો તંત્ર માર્ગો-ફૂટપાથ પરનાં દબાણો દૂર નહીં કરે તો આ સમસ્યા કયારેય દૂર નહીં થાય અને ધંધાર્થીઓની રોજીરોટી તો બચી જશે, પણ લોકો જીવનાં જોખમે માર્ગો પર ચાલવા મજબૂર બનશે. અલબત્ત, સુધરાઇ દ્વારા નોટિસો પાઠવવાનું હજુ ચાલુ જ હોવાથી લોકોની આશા કાયમ છે. દરમ્યાન, આજે ફૂટપાથ ખુલ્લી રાખો, વેન્ડરોને વ્યવસ્થિત જગ્યા આપો સહિત વિવિધ માગણીઓ સાથે એસોસિયેશન દ્વારા સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરવા આવ્યા હતા, પણ તે ન મળતાં સામાજિક આગેવાન મામદ લાખાએ સુધરાઇ કચેરીના બીજા માળની બારીએ ચડી જઇ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતાં પોલીસ, ફાયર બ્રિગેડ સહિત કચેરીએ ધસી ગયા હતા અને સમજાવટના પ્રયત્નો આદર્યા હતા. ચાર-પાંચ કલાક બાદ મુખ્ય અધિકારીએ રજૂઆત માટે સમય ફાળવતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું. એસો.ના હોદ્દેદારોએ મુખ્ય અધિકારીને મળી વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ લારી - ગલ્લાવાળાને હટાવવાની માંગ કરી હતી, જેના સામે મુખ્ય અધિકારીએ સ્પષ્ટ કહ્યું હતું કે, સુપ્રીમના આદેશ અને કલેક્ટરની સૂચના અનુસાર માર્ગો-ફૂટપાથ પરનાં તમામ દબાણો  હટાવાશે જ. શેરી ફેરિયા એસો. સાથેની ચર્ચામાં સુધરાઇ પ્રમુખ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, જગત વ્યાસ, નરેશ મહેશ્વરી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા જૂની શાકમાર્કેટનું રિનોવેશન કરવા છતાં વર્ષોથી તેમાં શાકભાજીના ધંધાર્થીઓ જવા તૈયાર નથી થતા અને માર્ગો પર જ ઊભા રહી ટ્રાફિક સમસ્યા સર્જે છે, તો તાજેતરમાં જ કોલેજ રોડ પર કરાયેલી વ્યવસ્થામાં પણ હજુ સુધી કોઇ લારી-ગલ્લાવાળા નથી ગયા. વૈકલ્પિક વ્યવસ્થામાં 1174 લારી-ગલ્લાધારકોને જગ્યા ફાળવાઇ છે, જેના ટોકન લઇ વ્યવસાય કરી શકે છે, તેવું નગરપાલિકાના જવાબદારોએ કહ્યું હતું. આ જગ્યા ભરાયા બાદ અન્ય જગ્યાનું આયોજન કરાશે.

શેરી ફેરિયા એસો.ને એવી તે કઇ વાત કરવી હતી કે મીડિયાના સભ્યોને બહાર જવા કહેવાયું ?

શેરી ફેરિયા એસો. અને સુધરાઇના મુખ્ય અધિકારી સાથેની ચર્ચાના અંતે પહેલાં એસો.ના હોદ્દેદારોએ સભ્યોને બહાર જવા કહ્યું, બાદમાં મુખ્ય અધિકારીને કહીને મીડિયાના સભ્યોને બહાર જવા રિકવેસ્ટ કરાવડાવી. અહીં સવાલ એ છે કે, જો લોકલક્ષી લડત જ હોય તો મીડિયાને બહાર જવા શા માટે કહેવાયું ? એવી તે કઇ વાત હતી જે ખુદ એસો.ના સભ્યો સામે પણ હોદ્દેદારો નહોતા કહી શકતા. આ બાબતે ભારે ચર્ચા જગાવી છે.

Panchang

dd