• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

આદિપુરની સ્માર્ટ શાકમાર્કેટ બહાર ખડકાયેલી ગંદકી

ગાંધીધામ, તા. 18 :  તાજેતરમાં મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ગંદકી બાબતે કડક ટકોર કરી હતી. જો ગંદકી હશે, તો ગ્રાન્ટ બંધ કરાશે તેવી કડક સૂચના આપી હતી, પરંતુ આદિપુરની શાક માર્કેટ પાસેની  સ્થિતિ જોઈએ અહીં હજુ સુધી મુખ્યમંત્રીની સૂચનાનું પાલન થયું ન હોવાનું જણાય છે. અહીંની મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી નવનિર્મિત, `વર્લ્ડ-ક્લાસ' ફેસિલિટીવાળી અદ્યતન શાકમાર્કેટનું કાર્ય પૂર્ણતાના આરે છે. આ મહાકાય અને ખર્ચાળ પ્રોજેક્ટ દ્વારા પાલિકા એક આદર્શ વ્યવસ્થા ઊભી કરવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં તો આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય ગેટથી થોડે જ દૂર રસ્તા પર જ કંઈક ભયાનક રીતે છતી થાય છે, જે પાલિકાના 'સ્માર્ટ સિટી'ના દાવાઓને લીરેલીરા ઉડાડી રહી છે.

કરોડોનો ખર્ચ એક તરફ, ગેરકાયદે રોડ પરની બજાર બીજી તરફ!

જ્યાં સુધી આ અદ્યતન માર્કેટનું લોકાર્પણ ન થાય, ત્યાં સુધી માર્કેટના મુખ્ય રોડ પર, ગેટની બિલકુલ બહાર, 'કાછિયા' અને અન્ય ફેરિયાઓ રોડ પર જ ગેરકાયદે રેંકડી રાખીને શાકભાજી વેચી રહ્યા છે. આ રોડ પર જ ખરીદદારોની ભીડ, વાહનોની અવરજવર અને એજ રોડ પર શાકભાજીની વેચવાલી - એક અરાજકતાનું ચિત્ર ઊભું કરે છે. કરોડોના ખર્ચે બંધાયેલી માર્કેટ તો તૈયાર થઈ રહી છે, પણ રસ્તા પર આ વ્યવસ્થા ક્યાં સુધી ચાલુ રહેશે? શું આ મહાકાય ખર્ચ રોડ પરની આ ગેરકાયદે બજારને જ વ્યવસ્થિત કરવા માટે થયો છે? તેવો સવાલ જાણકારો ઊઠાવી રહ્યા છે.

મહાનગરપાલિકાની બેવડી નીતિ : દુકાનદારોને દંડ, પણ અહીં `મૌન સંમતિ'!

સૌથી વધુ ચોંકાવનારી બાબત તો પાલિકાની બેવડી નીતિ હોવાની રાવ જાણકારો કરી રહ્યા છે. પાલિકા પ્રશાસન દ્વારા અન્ય વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારા, ગંદકી કરનારા દુકાનદારોને અને વેપારીઓને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આદિપુરની આ મુખ્ય શાકમાર્કેટની બિલકુલ બહાર, જે કચરો અને ગંદકી ફેલાય છે, તે બાબતે જાણે પાલિકાએ `આંખ આડા કાન' કરી લીધા હોય તેવું જણાય છે. અહીંના ફેરિયાઓ દ્વારા રોજેરોજ શાકભાજીનો બગાડ, પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો ખુલ્લેઆમ રસ્તા પર ફેંકવામાં આવે છે. શું આ ફેરિયાઓને કાયદો લાગુ નથી પડતો? શું અહીંના કચરાથી ગંદકી નથી ફેલાતી? આવા પ્રશ્નો આમ પ્રજાને સતાવી રહ્યા છે.

ગૌવંશનો ત્રાસ : ખરીદી કરવા આવતા નાગરિકો માટે જોખમ

જાહેરમાં ફેંકાતા શાકભાજીના કચરાને કારણે આ વિસ્તાર ગૌવંશ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. મોટી સંખ્યામાં ગાયો અને આખલા આ કચરાના ઢગલા પર એકઠા થાય છે, જે ક્યારેક અંદરોઅંદર લડે છે, તો ક્યારેક ખરીદી કરવા આવતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને હડફેટે લે છે. આવા બનાવો અવારનવાર બનતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. નાગરિકો પોતે સુરક્ષિત અનુભવી રહ્યા નથી. શું પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?

ચાંદીપુરા વાયરસનો ડર માખીઓનો ઉપદ્રવ ચરમસીમા પર

આ ગંદકી અને કચરાના કારણે આ વિસ્તારમાં માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બની ગયો છે, જે ગંભીર બીમારીઓનો મધપૂડો કહી શકાય. હાલમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે અનેક બાળકોનાં મોત નીપજ્યાં હોવાના ગંભીર સમાચાર છે. આવા સમયે પણ આવી ગંદકી ચાલુ રાખવી એ પાલિકાની ઘોર બેદરકારી છે. શું પાલિકા કોઈ મોટી રોગચાળાની ઘટનાને આમંત્રણ આપી રહી છે? આ તમામ પરિસ્થિતિને જોતા, આમ નાગરિકો પૂછી રહ્યા છે કે, આદિપુર શાકમાર્કેટના કચરો ફેંકનારા સામે પાલિકા ક્યારે કાર્યવાહી કરશે? ગૌવંશ અને ગંદકીના કારણે નાગરિકોના જીવનું જોખમ ક્યાં સુધી ચાલુ રહેશે? તેવો સવાલ લોકો કરી રહ્યા છે.

મહાકાય ખર્ચ પ્રજાનાં હિતમાં થયો છે કે પાલિકાની આબરૂ વધારવા માટે?

ગાંધીધામ-આદિપુર મહાનગરપાલિકાને ત્વરિત અને કડક પગલાં લેવા માટે અને આ પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા માટે જનતા માગણી કરી રહી છે. નહી તો આ માત્ર એક `સ્કેમ' અને પ્રજાના પૈસાનો વ્યય જ સાબિત થશે તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે.

Panchang

dd