• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

માંડવીની બેંક ઓફ બરોડામાં પાસબુક પ્રિન્ટ મશીન લાંબા સમયથી બંધ હાલતમાં

માંડવી, તા. 18 : અંદાજે 60 હજાર જેટલાં ખાતા ધરાવતી અહીંની બેંક ઓફ બરોડા શાખામાં લાંબા સમયથી પાસબુકની એન્ટ્રી માટેનું મશીન બંધ હોવાથી ખાતેદારોને દરરોજ ધરમના ધક્કા ખાવા પડે છે. બેંકની બહાર એટીએમની કેબિનમાં મૂકવામાં આવેલાં આ મશીનમાં મહિનામાં માંડ ત્રણથી ચાર દિવસ એન્ટ્રી થાય છે, જ્યારે બેંકની અંદરના ભાગે એન્ટ્રી કરવાની ના પાડવામાં આવે છે, હાલ ઈન્કમટેક્સ રીટર્ન ભરવાની અનેક ખાતેદારોની તારીખો આવી રહી છે, સરકાર દ્વારા ઓનલાઈન બેકિંગની વ્યવસ્થાના કારણે પાસબુકમાં એન્ટ્રી હિસાબ માટે અનિવાર્ય બની ચૂકી છે. દેના બેંક અને બેંક ઓફ બરોડા મર્જ થઈ જતાં ખાતાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. હાલમાં નાનાલાલ વોરા માર્ગ પાસે આવેલી બેન્કિંગ જગ્યા ખાતેદારોના પ્રમાણમાં ખૂબ નાની પડે છે. ઉપરોકત બાબતે મેનેજર વિનોદભાઈનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, રીજિયોનલ ઓફિસ ભુજ પાસે પાસબુક પ્રિન્ટીંગ માટેના નવાં મશીનની માગણી કરાઈ છે, જે ટૂંક સમયમાં આવી જશે. બેંકના ગ્રાહક અને ટેક્સ કન્સલટન્ટ મિતેશભાઈ મહેતાએ કહ્યું હતું કે, પાસબુક નિયમિત પ્રિન્ટ થાય તે માટે બેંકમાં બે મશીન હોવા જોઈએ અને બેંકમાંથી પણ પાસબુક પ્રિન્ટ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. બેંકની કામગીરી માટે જે લોકોને અંગ્રેજીનું નોલેજ નથી, તેવા અનેક લોકો ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા માટે ખાતું ધરાવે છે, પરંતુ તેમને સ્લીપ ભરવા કે જરૂરી ફોર્મ ભરવા માટે કોઈ બેંકમાં વ્યવસ્થા ન હોવાની લોકોની ફરિયાદ છે. શહેરના પ્રમાણમાં 60 હજાર જેટલાં ખાતા ધરાવતી બેંકમાં ખાતેદારો માટે જગ્યા પણ મોટી હોવી જોઈએ, બહારના ભાગે ટ્રાફિકની સમસ્યા સતત થયા કરે છે તે અંગે બેંક તરફથી કોઈ કાયમી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેવો ભાવ વ્યક્ત કરાયો હતો તેમજ એટીએમ અને પાસબુક પ્રિન્ટનાં મશીન એક જ કેબિનમાં હોવાથી લોકોની પ્રાઈવર્સીનો મોટો પ્રશ્ન ઊભો થાય છે.

Panchang

dd