કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 18 : ભૌગોલિક દૃષ્ટિએ ગુજરાતનો સૌથી
મોટો એવો અબડાસા તાલુકો આજે કુદરત અને વહીવટી તંત્રની બેવડી ઉપેક્ષાનો શિકાર બનતાં
અત્યારે તો અબડાસાના નસીબમાં માત્ર વાદળછાયું આકાશ અને `ઝાંઝવાના જળ' જ રહ્યા છે. તાલુકાનો મુખ્ય આધાર પશુપાલન અને
ખેતી છે, પણ વરસાદના અભાવે અહીં `ઘાસ વિના ઢોર અને આશા વિના માનવી' જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. માનવ વસ્તી કરતાં
જ્યાં પશુધનનું પ્રમાણ અનેકગણું વધારે છે, ત્યાં પશુઓના પેટનો
ખાડો પૂરવો એ માલધારીઓ માટે હિમાલય ચડવા જેવું કપરું કાર્ય બની ગયાનો ચિતાર સામે આવ્યો
છે.
ઘરડો પંથક દયનીય
અબડાસાના ઘરડા પંથકના વાયોર,
અકરી, મોહાડી, બેર મોટી અને
વાઘોટ જેવાં ગામો કે જે પશુપાલનનું હૃદય ગણાય છે, ત્યાં સ્થિતિ
અતિ ગંભીર છે. માંડ એક ઇંચ વરસાદમાં અહીં સીમાડા લીલા થવાને બદલે વધુ સુકાઈ ગયા છે.
દરિયાઈ પટ્ટી હોવાનાં કારણે ક્ષાર અને પાણીની તંગી માલધારીઓને રાતાં પાણીએ રડાવી રહી
છે. મોહાડીના ઇબ્રાહીમ જત કહે છે કે, પહેલાં જે ઘાસડેપો ખુલ્યા
હતા તે આશાનું કિરણ હતા, પણ તે બંધ થતાં હવે અમારો આધાર તૂટી
ગયો છે. પશુઓને પાણી ક્યાં પીવડાવવું અને રાતે ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે.
પશુપાલકોની કમર તૂટી
બજારમાં પશુઆહારના ભાવ આભને આંબી રહ્યા છે, જ્યારે દૂધનું ઉત્પાદન પૂરતો ચારો ન મળતાં 50 ટકા ઘટી ગયું છે. માલધારીઓ
માટે `ખાડો ખોદે તે પડે' જેવી હાલત છે. ભૂસું (50 કિલો) રૂા. 1350 (આસમાની ભાવ), કપાસિયા ખોળ રૂા. 2200થી 2300, કપાસિયાના ઠાલિયા રૂા. 370 (20 કિલો), જુવારનો ચારો રૂા. 1000 પ્રતિ મણ, ઘાસની ગાંસડી રૂા. 350 (20 કિલો). નલિયાના પશુપાલક નીતેશ
ભટ્ટ જણાવે છે કે, 40થી વધુ ગાયો છે, સીમમાં માત્ર પગ છૂટા કરવા લઈ જઈએ છીએ,
ત્યાં ખાવા જેવું કંઈ બચ્યું નથી. આખો દિવસ મોંઘા ભાવના ખોળ અને ખાણ
ખવડાવીએ છે, ત્યારે ચારાની પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે,
રૂપિયા આપતાં પણ ચારો મળતો નથી.
માંડ એક પશુનું ઘાસ!
સરકારી તંત્રની સામે પશુપાલકોમાં ભારે રોષ છે. બાલાચોળના રાજેશભાઈ
ગૌસ્વામીએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, મારી પાસે 35 પશુ છે, ઘાસકાર્ડ પણ છે, પણ નિયમ
એવો છે કે માત્ર પાંચ પશુનું જ ઘાસ મળે ! તેમાંય અત્યાર સુધી માંડ એક જ ગાંસડી મળી
છે. સરકારે વાસ્તવિકતા જોઈને જેટલા પશુ હોય તેટલા પૂરતું ઘાસ આપવું જોઈએ.
સંસ્થાઓની કફોડી હાલત
અબડાસાની એક મોટી સંસ્થા કે,
જે રાતાતળાવ ખાતે 6000થી વધુ પશુઓને સાચવે છે, તેના અગ્રણી વસંતભાઈ ભાનુશાલી કહે છે કે, સ્થાનિક સ્તરે
લીલો કે સૂકો ચારો ઉપલબ્ધ નથી. અમે દક્ષિણ ગુજરાતથી ઘાસ મગાવતા હતા, પણ ત્યાં અતિવૃષ્ટિ થતાં હવે ત્યાંથી પણ માલ મળવો મુશ્કેલ છે. ગામડાંના સરપંચો
રખડતા ઢોરોને અમારી સંસ્થામાં મૂકવા દબાણ કરે છે, સરકાર તાત્કાલિક
નિર્ણય લે તે જરૂરી છે.
તાકીદે અછત આપો
ભાનાડા તાલુકા પંચાયતના સદસ્યા રીટાબા જાડેજાએ સરકારને લાલબત્તી
ધરતાં કહ્યું છે કે, અબડાસામાં
ભૂખમરો ઊભો થયો છે. ખેડૂતો અને માલધારીઓ હવે હિજરતની તૈયારી કરી રહ્યા છે. જો તાત્કાલિક
ધોરણે આખા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે અને ગામે-ગામ ઘાસ ડેપો તેમજ ઢોરવાડા
શરૂ નહીં કરાય, તો અબડાસા ખાલી થઈ જશે. અબડાસાના સીમાડાનાં તળાવો
સૂકાઈ ગયાં છે. જો નર્મદાની લાઈન વાટે આ તળાવો ભરવામાં આવે તો પશુઓને પીવાનું પાણી
મળી શકે. તંત્ર આંકડાઓની માયાજાળ છોડીને ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ જુએ તે જરૂરી છે.
દિવસ ઊગે ને પશુપાલકોની આંખમાં આંસુ હોય છે કે આજે શું ખવડાવશું ? સરકાર માટે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે - કાં તો મદદ કરો, કાં તો અબડાસાના પશુધનને રામભરોસે છોડી દો.