• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

અમેરિકા અને ડેન્માર્કના કચ્છી-ગુજરાતીઓમાં કચ્છના વિકાસનું આકર્ષણ

ન્યૂયોર્ક (અમેરિકા), તા. 4 : કચ્છના 360 ડિગ્રી - સર્વાંગી વિકાસનાં મિશન પર કામ કરી રહેલા ગ્લોબલ કચ્છના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ તાજેતરમાં અમેરિકા અને ડેન્માર્કના પ્રવાસ દરમ્યાન કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સરકારી વડાઓ, ઉદ્યોગપતિઓ સાથે યોજેલી સફળ બેઠકમાં કચ્છમાં ટેક્નોલોજી હસ્તાંતરણ, ટકાઉ વિકાસ તથા વિદેશી મૂડીરોકાણ માટે હકારાત્મક ચર્ચા - વિચારણા થતાં તેનું બહુ જલ્દી ફળદાયી પરિણામ આવવાની ઊજળી સંભાવના ઊભી થઇ છે.

શ્રી મામણિયાએ વિવિધ સ્તરની બેઠકો અને મુલાકાત દરમ્યાન કચ્છ - ગુજરાતની વિકાસની ગતિની વિગતો આપીને ખાસ તો આ સીમાવર્તી જિલ્લા કચ્છમાં ગ્લેબલ કચ્છ - કચ્છમિત્રના ઉપક્રમે હાથ ધરાયેલા ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ, ડીપીએના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ, વેલનેસ ટૂરિઝમ તથા બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટની તકો વિશે જાણકારી આપી હતી. કચ્છને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાની ચળવળમાં વિદેશી ટેક્નોલોજી - ઇન્વેસ્ટમેન્ટ કઇ રીતે લાવી શકાય, એનો રોડમેપ પણ રજૂ કર્યો હતો.

ન્યૂયોર્ક ખાતે ડેપ્યૂટી કોન્સલ જનરલ વિશાલ જે. હર્ષ અને કોન્સલ ફોર કોમ્યુનિટી અફેર ત્સેવાંગ ગેયલ્ટ્સન સાથેની મિટિંગ મહત્ત્વપૂર્ણ બની રહી હતી. ન્યૂજર્સી ખાતે કોજૈન સંમેલનમાં પણ વિવિધ અગ્રણીઓ સાથેની ચર્ચા યોજાઇ, તેના નિષ્કર્ષરૂપે યુએસએ સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા ન્યૂયોર્ક ખાતે કચ્છ ઇન્વેસ્ટમેન્ટ મીટ અને ટૂરિઝમ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમેરિકી પ્રતિનિધિ મંડળ બહુ જલ્દી કચ્છની મુલાકાત લે એવી સંભાવના છે. સુખદ આશ્ચર્ય એ રહ્યું કે, ભારતીય રાજદ્વારી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ અખબાર જૂથના પ્રકાશનોથી સુપેરે વાકેફ હતા. હાર્દિકભાઇએ પોતાનો અનુભવ શેયર કરતાં કહ્યું કે, `વૈશ્વિક સ્તરે કચ્છની તાકાત અને ક્ષમતાને જે પ્રતિસાદ મળે છે, એનાથી એ સ્પષ્ટ થાય છે કે કચ્છ હવે માત્ર પ્રાદેશિક નહીં, પરંતુ ગ્લોબલ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીનું નવું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.' કોજૈન સંમેલનમાં પોતાનાં સંબોધનમાં વિદેશ સ્થિત કચ્છીઓને `યુ ટર્ન ટુ કચ્છ' અંતર્ગત માતૃભૂમિ તરફ પાછા વળવા હાકલ કરી હતી. સુવિધાયુક્ત લેન્ડ બેન્ક અને ટકાઉ (સસ્ટેનેબલ) પરિયોજના દ્વારા એનઆરઆઇ રોકાણકારોને ત્રણગણું વળતર આપતાં બિઝનેસ મોડેલ અંગે ઊંડાણપૂર્વકનું મંથન કરવામાં આવ્યું હતું.

શ્રી મામણિયા ડેન્માર્કમાં બિઝનેસ કાઉન્સિલના વડાઓને અને અગ્રણી ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને ઇન્ડો-ડેનિસ ચેમ્બર્સમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વિવિધ મહાનુભાવોને તેમણે કચ્છમિત્ર દ્વારા પ્રકાશિત `વેલકમ ટુ કચ્છ' અંગ્રેજી આવૃત્તિ ભેટ આપીને કચ્છમાં પ્રવાસન માટે આવવા નિમંત્રિત કર્યા હતા.

અમેરિકા અને ડેન્માર્કમાં વિવિધ સ્તરીય બેઠકો - ચર્ચાઓમાંથી ઉપસેલા ફળદાયી મુદ્દા આ પ્રમાણે છે.

ભૂખી રિવર પ્રોજેક્ટ-ડેનિસ ટેકનોલોજી

ડેન્માર્કની વિશ્વવિખ્યાત એન્જિનીયરિંગ કંપની રેમ્બોલ (Remboll), ડેનિસ એમ્બેસી તેમજ ડેનિસ ઇન્ડો. ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત સહયોગથી કચ્છની ભૂખી નદીના કાયાકલ્પ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે.

ગ્રીન હાઇડ્રોજન-મિયાવાકી અર્બન ફોરેસ્ટ

વૈશ્વિક ક્લીન એનર્જી ક્રાંતિ અંતર્ગત કંડલા ખાતે 1000 એકરમાં આકાર લઇ રહેલા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે અમેરિકા અને ડેન્માર્કના તજજ્ઞો સાથે આધુનિક ટેકનોલોજી અને પ્લાન્ટ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા થઇ છે.

સ્કેડેવિયન દેશોમાં કેસર કેરી-હસ્તકળા

કચ્છની જગપ્રસિદ્ધ કેસર કેરી અને પરંપરાગત હસ્તકળા માટે સ્કેડેવિયન દેશોમાં વિપુલ તકો ઊભી થતાં ચાલુ વર્ષથી જ ડેન્માર્ક, સ્વીડન અને નોર્વે જેવા દેશોમાં તેની સીધી નિકાસ (Export) શરૂ કરવા માટેનો નક્કર રોડમેપ તૈયાર કરાયો છે.

વેલનેસ ટૂરિઝમ

કચ્છના કુદરતી વાતાવરણનો લાભ લઇ વેલનેસ ટૂરિઝમને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરશે, જેના પ્રથમ પરિણામરૂપે જાન્યુઆરી 2027માં સ્થાનિક રોકાણ અને પ્રવાસનને નવી ઊંચાઇએ લઇ જવા વિદેશી પ્રતિનિધિ મંડળ કચ્છની મુલાકાતે આવશે.

ન્યૂયોર્કમાં કચ્છ ઇન્વેસ્ટમેન્ટ મીટ અને ટૂરિઝમ ફેસ્ટિવલ

USA સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા ન્યૂયોર્ક ખાતે ખાસ કચ્છ ઇન્વેસ્ટમેન્ટ મીટનું આયોજન કરવામાં આવશે, જેની સાથે કચ્છના સમૃદ્ધ હેન્ડીક્રાફ્ટ, સંસ્કૃતિ અને પ્રવાસન ઉત્સવોમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે વિશેષ સાંકળ રચવામાં આવી છે.

Panchang

dd