• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ધો. 4માં હવે પ્રથમ સત્રથી હિન્દી વિષય

ગાંધીનગર, તા. 4 : રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા ધોરણ-4માં હિન્દી વિષયને હવે પ્રથમ સત્રથી જ અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. આ નિર્ણયનો અમલ રાજ્યની તમામ સરકારી, અનુદાનિત તેમજ અન્ય માન્ય પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2027-28થી કરવામાં આવશે. હાલ રાજ્યમાં ત્રિભાષા સૂત્ર હેઠળ ગુજરાતી ભાષા પ્રથમ ધોરણથી ફરજિયાત છે, જ્યારે અંગ્રેજી ભાષાનો પરિચય પ્રથમ ધોરણથી અને અલગ વિષય તરીકે ધોરણ-3થી આપવામાં આવે છે. અત્યાર સુધી હિન્દી વિષયનું શિક્ષણ ધોરણ-4ના બીજા સત્રથી શરૂ થતું હતું અને તેની સત્રાંત પરીક્ષા પણ બીજા સત્રના અંતે લેવામાં આવતી હતી. નવા ઠરાવ બાદ વિદ્યાર્થીઓ હિન્દી વિષયનો અભ્યાસ પ્રથમ સત્રથી જ શરૂ કરશે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (એનઈપી-2020) અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (એનસીએફ-સીઈ 2023)ના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબ બાળકોમાં ભાષાકીય કૌશલ્યનો વિકાસ શરૂઆતથી જ થાય તે જરૂરી છે. બાળકો વિવિધ ડિજિટલ માધ્યમો, ટેલિવિઝન, મોબાઇલ અને અન્ય સંચાર સાધનો દ્વારા હિન્દી ભાષાના સતત સંપર્કમાં રહેતા હોવાથી પ્રાથમિક કક્ષાએ જ હિન્દી ભાષાનું સુવ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવે તો તેમની ભાષાકીય સમજ અને અભિવ્યક્તિ વધુ મજબૂત બનશે. આ નિર્ણય અનુસાર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) ધોરણ-4 માટે હિન્દી વિષયની અભ્યાસ નિષ્પત્તિઓ તૈયાર કરશે. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પ્રથમ અને બીજા સત્રને આવરી લેતું એક સંયુક્ત પાઠ્યપુસ્તક તૈયાર કરશે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને એક જ પુસ્તકમાંથી અભ્યાસ કરવાની સુવિધા મળશે.

શિક્ષણ જગતમાં મિશ્ર પ્રતિસાદ

રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને શિક્ષણજગતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક વર્ગોનું માનવું છે કે રાજ્યમાં હજુ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણન (એફએલએન) જેવી પાયાની ક્ષમતાઓમાં નબળા પુરવાર થઈ રહ્યા છે.

Panchang

dd