• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

ઝટકાભેર 300 ફૂટ નીચે આવ્યું વિમાન...

નવી દિલ્હી, તા. 4 : થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-2379 આજે અચાનક એર ટર્બ્યુલન્સ એટલે કે તીવ્ર પવનના ઝટકામાં ફસાઈ ગઈ હતી અને આખું વિમાન ભારે હાલકડોલક થયું હતું અને એક તબક્કે 300 ફૂટ નીચે પણ આવી જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે, પાઈલટે સ્થિતિ સંભાળી હતી અને ફ્લાઈટને સુરક્ષિત દિલ્હીમાં ઉતાર્યું હતું. આ ઘટનામાં 14 મુસાફરને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને દિલ્હી એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં સારવાર અપાઈ હતી, જેમને વધુ ઈજાઓ થઈ છે તેમને દિલ્હીના વસંત કુંજ સ્થિત ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘાયલોમાં અમુક યાત્રી ઉપરાંત ક્રૂ સભ્ય પણ સામેલ છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું કે, ઉડાન શરૂ થયાના લગભગ દોઢ કલાક બાદ અચાનક ભારે ઝાટકા લાગ્યા હતા. વહેલી સવારનો સમય હોવાથી મોટા ભાગના મુસાફર ઊંઘમાં હતા. બેથી ત્રણ મિનિટ સુધી વિમાન પલટી ખાતું રહ્યું. ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. 1પથી 20 જણને ઈજાઓ થઈ છે, જે પૈકી 70થી 80 ટકાને મામૂલી ઈજાઓ થઈ છે. અમુક મુસાફરને માથામાં પણ ઇજાઓ થઇ હતી. આ વિમાનમાં 100થી વધુ મુસાફર સવાર હતા. ઘટનાની તપાસ થઈ રહી છે. ફ્લાઈટની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં સીલિંગની પેનલમાં તિરાડો જોવા મળી હતી. એર ટર્બ્યુલન્સને લીધે વિમાન અમુક ફૂટ નીચે આવી જતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. જો કે, પાઈલટે સ્થિતિ સંભાળી લીધી હતી અને અંતે વિમાન સુરક્ષિત રીતે દિલ્હીમાં ઊતર્યું હતું. આ ઘટનાને કારણે વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે અચાનક ફેરફાર થયો હતો. ઊંચાઈમાં થયેલા આ અણધાર્યા ઘટાડાને કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને ઈજાઓ થઈ હતી. જો કે, એરલાઈને ભારપૂર્વક જણાવ્યું કે, વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંપૂર્ણપણે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર આવ્યા અને કોઈને ગંભીર ઈજા થઈ નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે, પાઈલોટ-ઈન-કમાન્ડે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ઉડાન દરમિયાન વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું.  ઊંચાઈમાં આ અચાનક ઘટાડાને કારણે કેબિન ક્રૂના એક સભ્યને ગંભીર ઈજા થઈ છે. અન્ય એક ક્રૂ સભ્યને પણ ઈજા થઈ છે અને કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી એરપોર્ટને તરત જ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. વિમાન લેન્ડ થાય તે પહેલાં જ રન-વે પાસે મેડિકલ ટીમો તૈયાર રાખવામાં આવી હતી. લેન્ડિંગ બાદ તરત જ ઘાયલ મુસાફરો અને ક્રૂ સભ્યોને પ્રાથમિક સારવાર માટે એરપોર્ટની મેડિકલ સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા.

Panchang

dd