• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

સામખિયાળી-ભચાઉ વચ્ચે 120 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવાશે

ગાંધીધામ, તા. 4 :  અમદાવાદ ડિવિઝનના માલ પરિવહનમાં સાર્વધિક આવક જ્યાંથી થાય છે એવા કચ્છમાં રેલવે  દ્વારા માળખાંકીય સુવિધાનું વિસ્તરણ અને આધુનિકીકરણ તરફ વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવા જઈ રહી છે. સામખિયાળી-ભચાઉ ચોહરીકરણ પ્રોજેક્ટ હેઠળ સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઈનનાં પરીક્ષણ માટે આવતીકાલથી બે દિવસ રેલવેના સેફ્ટી કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નિરીક્ષણ દળમાં રેલવે સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક  વેદપ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. આવતીકાલે તા. 5ના સામાખિયાળીથી ભચાઉ વચ્ચે ડાઉન લાઇન પર મોટર ટ્રોલી દ્વારા વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે તા. 6ના  ભચાઉથી સામાખિયાળી વચ્ચે અપ લાઇન પર મોટર ટ્રોલી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ બંને નવી રેલ લાઇનો પર ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઓબ્ઝર્વેશન કાર સાથે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એન્જિન સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. સ્પીડ ટ્રાયલ દરમિયાન સામખિયાળી-ભચાઉ રેલખંડની રેલવે લાઇન અને તેની આસપાસના વિસ્તારોથી સુરક્ષિત અંતર જાળવી રાખવા તથા કોઈ પણ સંજોગોમાં રેલવે ટ્રેક પાર ન કરવા લોકોને અનુરોધ કરાયો છે. યાત્રી રેલ સંચાલનની મંજૂરી આપતાં પહેલાં રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, પુલો, ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો, ઇન્ટરલાકિંગ વ્યવસ્થા, ઓએમએસ પરીક્ષણ તેમજ અન્ય તમામ સંરક્ષા ધોરણોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. સાથે જ ઉચ્ચ ગતિએ સુરક્ષિત ટ્રેન સંચાલનની પણ તપાસ કરવામાં આવશે. પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ કંડલા અને મુંદરા બંદરોમાંથી કન્ટેનર, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, અનાજ, મીઠું તથા અન્ય માલસામાનના પરિવહનને નવી ગતિ મળશે. પરિણામે માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે, વેગનોનો વધુ અસરકારક ઉપયોગ થશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ ઉદ્યોગ, વેપાર અને નિકાસ ક્ષેત્રને મળશે.

Panchang

dd