• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

દેશ માટે સ્વચ્છતાના મોડેલ ઇન્દોરે કચરાને સાચા અર્થમાં કંચન બનાવ્યો

હેમાંગ પટ્ટણી દ્વારા : ઇન્દોર, તા. 4 : ગુજરાતીમાં એક પ્રાચીન કહેવત છે કે, કચરો કંચન બન્યો. આ ઉક્તિને દેશના સૌથી સ્વચ્છ શહેર એવા મધ્ય પ્રદેશના ઇન્દોરે ખરા અર્થમાં સાકાર કરી છે. આખા દેશમાં જેના સ્વચ્છતા મોડેલની ચર્ચા થાય છે એ ઇન્દોરે સૂકા અને ભીના કચરાનું સુયોગ્ય રીતે એકત્રીકરણ કરી તેના યોગ્ય નિકાલ માટે બે પ્લાન્ટ બનાવ્યા છે. લીલા એટલે કે ભીના કચરામાંથી બાયો સીએનજી ગેસ બનાવવાનો દેશનો સૌથી મોટો પ્લાન્ટ બનાવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડયા છે.

ભારતનો સૌથી મોટો પ્લાન્ટ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના આઉટ રિચ કાર્યક્રમ અંતર્ગત મધ્ય પ્રદેશની મુલાકાતે ગયેલા આ લખનાર સહિત કચ્છ-ગુજરાતના પત્રકારોએ દેશના આ સૌથી મોટા પ્લાન્ટને નિહાળ્યો હતો. ઇન્દોરના દેવગુરાડિયા પાસે (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ આ પ્લાન્ટ 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

કચરાની ક્ષમતા અને ઉત્પાદન

ઇન્દોરના મેયર પુષ્ય મિત્ર ભાર્ગવ અને પ્લાન્ટ ઇન્ચાર્જ વીરેન્દ્ર સોનીએ જણાવ્યું કે, આ પ્લાન્ટ દરરોજ 550 ટન ભીના કચરાને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કચરામાંથી દરરોજ અંદાજે 17,000થી 19,000 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળો શુદ્ધ બાયો-ઈગઋ ગેસ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા બાદ વધેલા કચરામાંથી દરરોજ 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળું ઓર્ગેનિક ખાતર બને છે, જે સ્થાનિક ખેતીમાં ઉપયોગમાં લેવાય છે.

400થી વધુ સિટીબસનું સંચાલન

આ પ્લાન્ટ વાર્ષિક 1,30,000 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન હવામાં ભળતું અટકાવે છે, જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થયો છે. આ પ્લાન્ટમાં  ઉત્પાદિત થતા બાયો-સીએનજી ઇંધણથી ઇન્દોરની  400થી વધુ  સિટીબસ ચલાવવામાં આવે છે, જેના કારણે ડીઝલ પરની નિર્ભરતા ઘટવા સાથે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાની આર્થિક કમાણી કાર્બન ક્રેડિટ દ્વારા મેળવી છે.

સૂકા કચરામાંથી પણ કમાણી

સૂકા કચરાના યોગ્ય નિકાલ માટે તેને રિસાઈકાલિંગ કરી ફરીથી ઉપયોગમાં લઇ શકાય એ માટે નેપરા મટિરીયલ રિકવરી ફેસિલિટી પ્લાન્ટ બનાવ્યો છે. અહીં ટેક્નોલોજી અને મશીનો દ્વારા સૂકા કચરામાંથી પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુને અલગ-અલગ કરવામાં આવ્યા બાદ તેને રિસાઈકલ કરાય છે, જે કચરો રિસાઈકલ નથી થઇ શકતો એવા કચરાને સિમેન્ટ ફેક્ટરીમાં ફ્લાય એશ તરીકે ઉપયોગમાં આવે તે હેતુ મોકલાતો હોવાનું પ્રોજેક્ટ ઇન્ચાર્જ પુનિતભાઈએ માહિતી આપતાં કહ્યું છે. આ પ્લાન્ટમાં દૈનિક 4.5 ટન કચરાનું વ્યવસ્થાપન થાય છે. હવે ઇન્દોરને ગ્રીનસિટી બનાવવાનો સંકલ્પ ઇન્દોરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવાયા બાદ હવે ગ્રીન સિટી બનાવવાનો સંકલ્પ મેયર પુષ્ય મિત્ર ભાર્ગવે કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભાવિ વિકાસ આયોજન અને પડકારો વિશે ચર્ચા કરી  હતી.

Panchang

dd