ભુજ, તા. 4 : સરકાર એક બાજુ ખેડૂતોનાં હિતોનું
રક્ષણ કરવા મથે છે અને ખેતપેદાશોના ટેકાના ભાવ નક્કી કરી જગતના તાતને પૂરતી ધનરાશિ
આપવાના પ્રયાસો તો થાય છે, પરંતુ બીજી
બાજુ બજાર સમિતિઓ દ્વારા ક્યાંક ચાલતી ગેરરીતિને પગલે પૂરતાં નાણાં કિસાનોના ખિસ્સામાં
જવાને બદલે ભ્રષ્ટ તત્ત્વોના ખિસ્સામાં જતા હોવાનો કિસ્સસો અબડાસામાંથી બહાર આવ્યો
છે. અબડાસામાં એકમાત્ર ખાનગી એપીએમસીમાં બાજરા ખરીદીનું મોટું કૌભાંડ ચાલતું હોવાની
વિગતો બહાર આવતાં ખુદ પુરવઠા તંત્રે પણ આશ્ચર્ય વ્યકત કર્યું હતું. અબડાસામાં બાજરાનું
વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવતું હોવાથી સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાના રૂા.
3075 નક્કી કર્યા હતા, જેમાંથી 2775 ભારત સરકાર અને રૂા. 300 રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં
આવ્યા હતા. માર્કેટયાર્ડમાં જથ્થો આપવા માટે ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવાની હોય છે, પરંતુ મોટા ભાગના ખેડૂતો આ પ્રકારની ઓનલાઈન
પળોજણમાં પડયા વગર ઓછા ભાવે જો ખરીદી થઈ જાય
અને રોકડા મળી જાય તેમાં માનતા હોવાથી તેનો લાભ ઉઠાવીને આ ગેરરીતિમાં સામેલ મંડળીએ
ખેડૂતો પાસેથી 20 રૂપિયાની
આસપાસ માલ લઈને પછી ભળતા નામે યાર્ડમાં જમા
કરાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે ગમે તે ખેડૂતોના 7/12ના ઉતારા લઈ ઓનલાઈન વેચાણ કરવાનાં
કૌભાંડમાં મોટાં માથાંઓ સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર નીકળી શકે તેમ છે. અગાઉથી
સહીઓ કરેલા ચેક લઈ લેવામાં આવતા હોય છે, કેમ કે, સરકાર
દ્વારા ટેકાના ભાવે જે રકમ થાય તે ઓનલાઈન બેંક ખાતામાં જમા થતી, સરકારમાંથી નાણા જમા થાય એટલે પાછળથી સરકારી ટેકાના ભાવ પ્રમાણે નાણાં ઉપાડી
લેવામાં આવતા હોવાનું ખુદ કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું. અમુક કિસાનોના જણાવ્યા પ્રમાણે
મુંબઈ રહેતા એવા ખેડૂતો છે, જેમણે બાજરો શું કોઈ પણ વાવેતર કર્યું
ન હોય તેવા મુંબઈવાસી ઓળખીતાના 7/12ના ઉતારા લઈ તેમનાં નામે માલ કનકપર પાસેના માર્કેટયાર્ડમાં જમા
કરાવવામાં આવતો હોય છે. આ કૌભાંડ
છેલ્લાં બે વર્ષથી ચાલે છે અને ભલે માર્કેટયાર્ડ ખાનગી છે છતાં તેને સરકારી નિયમો ટેકાના
ભાવ લાગુ પડતા હોવાથી જો પુરવઠા તંત્ર દ્વારા તપાસ થાય તો મોટી ગેરરીતિ બહાર આવી શકે તેમ છે. મળેલી માહિતી પ્રમાણે અબડાસામાં 650 ખેડૂતે બાજરાનું વાવેતર કરી
માર્કેટયાર્ડમાં જથ્થાનું વેચાણ કર્યું છે, હવે આમાંથી સાચા-ખોટા ખેડૂત કોણ છે એ તો તપાસ થાય તો સાચી હકીકત બહાર આવી શકે.
દરમ્યાન પુરવઠા અધિકારી શ્રી નિમાવતને પૂછતાં તેઓએ ભલે હાલમાં જ ચાર્જ લીધો છે,
પણ કહ્યું કે, ચૂકવણાં તો ઓનલાઈન થાય છે,
જો કૌભાંડ આચરાતું હશે તો તપાસ કરી પગલાં લેવાશે. ક્યાંય ખોટું નહીં
ચલાવાય.