ભુજ, તા. 2 : શહેરમાં રોકેટ ગતિએ વાહનોનું
પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે
મોટા રસ્તા પણ ટૂંકા પડી રહ્યા છે, તેમાંયે આ મોટા માર્ગો પર
થતાં આડેધડ પાર્કિંગના કારણે ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે, આ સમસ્યાના ઉકેલ માટે `ભાડા' અને ભુજ
નગરપાલિકા દ્વારા પાર્કિંગ પ્લોટના અપાતાં વચનો ક્યારે પૂર્ણ થશે તેવો સવાલ જાગૃત નાગરિકો
ઉઠાવી રહ્યા છે. ભુજમાં દિવસે દિવસે ટુ અને ફોર વ્હીલર વાહનોનું પ્રમાણ વધી રહ્યું
છે, ત્યારે આ વાહનોના પાર્કિંગ માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તા
મંડળ અને સુધરાઈ દ્વારા સમયાંતરે પાર્કિંગ પ્લોટ બનાવવાની માત્ર જાહેરાતો થયા કરે છે,
પરંતુ હજુ સુધી આ વચનો પૂરા ન થતાં નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
- આડેધડ પાર્કિંગથી રસ્તાઓ ટૂંકા
પડે છે : ભૂકંપ બાદ શહેરના મોટાભાગના માર્ગો ડબલ
બની ગયા છે, તેમ છતાં વધતા વાહનો અને
આડેધડ થતાં પાર્કિંગના કારણે આ રસ્તાઓ ટૂંકા પડી રહ્યા છે. શહેરનો જ્યુબિલી સર્કલથી
કલેક્ટર જતો માર્ગ હોય કે સ્ટેશન રોડ, બસ સ્ટેશન, છઠ્ઠીબારી રિંગરોડ, અનમ રિંગરોડ, જનરલ હોસ્પિટલથી જ્યુબિલી સર્કલ, હોસ્પિટલ રોડ સહિતના
ડબલ માર્ગો પર એકબાજુનો ભાગ તો જાણે વાહનોનાં પાર્કિંગ માટે હોય તેમ રોકાઈ જાય છે,
જેના કારણે સિંગલ બચતા રસ્તા પર દરરોજ સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા માથાના દુ:ખાવારૂપ બની રહી છે. - પાર્કિંગ પ્લોટ ફાળવવાની જાહેરાતો
માત્ર `કાગળ' પર જ : જો કે,
ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલા `ભાડા' અને શહેર
સુધરાઈ દ્વારા પાર્કિંગ પ્લોટ ફાળવવાની જાહેરાતો અવારનવાર માટાપાયે કરાય છે,
પણ તે માત્ર `કાગળ' પર જ
રહી જતી હોવાનો વસવસો લોકો વ્યક્ત કરી રહ્યા છે. તો પોલીસને પણ જાણે કે, રસ ન હોય અને આ સમસ્યાથી થાકી ગઈ હોય તેમ તેની નજર સામે પાર્ક થયેલાં વાહનોને
હટાવવાના બદલે નજરઅંદાજ કરી લેતા હોય તેવો તાલ સર્જાય છે. - છકડાચાલકો-દબાણકારો સામે ટ્રાફિક
પોલીસ વામણી પુરવાર : વાણિયાવાડમાં તો એક તરફ શાકભાજીના વેપારીઓના
હદ બહાર ખડકાતા `ઠેલા', તો બીજીતરફ દાદાગીરી સાથે છેક અંદર સુધી ઘૂસી આવતા (અગાઉના ટ્રાફિક અધિકારીએ છેક રાજન શો-રૂમ
સુધી માર્યદિત રાખ્યા હતા) છકડાચાલકોથી સર્જાતી સમસ્યા મુદ્દે ફરજ પરની ટ્રાફિક પોલીસ
વામણી પૂરવાર થતી હોય તેવાં દૃશ્યો રોજ જોવા મળી રહ્યાં છે. વળી, અનમ રિંગરોડ અને છઠ્ઠીબારી રિંગરોડથી છેક કોટ અંદર ઘૂસી આવતી ફોર વ્હીલર પાર્ક કરી ચાલકો ચાલ્યા જતા હોય છે, જેના કારણે નાના વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે. - જૂની શાક માર્કેટના બાંકડા
ખાલી, બહાર ટ્રાફિકને અવરોધ : બીજીતરફ કોટ અંદર આવેલી અને ભૂકંપ બાદ લાખોના
ખર્ચે `િરટ્રોફિટિંગ' પામેલી જૂની શાક માર્કેટની દશા બેઠી હોય તેમ
અંદર બાંકડા ખાલી પડયા હોવા છતાં માર્કેટ બહાર બેસતા હોવાથી આ રસ્તોએ સાંકડો બની જાય
છે, ટ્રાફિકની સમસ્યા સર્જતા આ ધંધાર્થીઓને સુધરાઈના સત્તાવાળાઓ
વાળ પણ વાંકો કરી શકતા નથી, તો લાખોનો ખર્ચ કરવાનો અર્થ શું તેવું
એક વેપારીએ બળાપો ઠાલવતાં જણાવ્યું હતું. આ વિસ્તારમાં જ પોલીસ સ્ટેશન `ચાવડી'
આવેલી છે, તેમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓને પણ
માત્ર ટુ વ્હીલર પાસે દંડની કાર્યવાહીમાં રસ હોય તેમ દંડનીય કાર્યવાહી કરે છે,
પરંતુ તેમની નજર સામે જ અડધો રસ્તો રોકી બેઠેલા ધંધાર્થીઓ સામે દંડનીય
કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ જાગૃત નાગરિકોને સતાવી રહ્યો છે. - પાર્કિંગ પ્લોટ પરનાં દબાણો
દૂર કરવાની કામગીરી માત્ર કાગળ પર : અત્રે ઉલ્લેખનીય છે કે, ભાડા દ્વારા તારવાયેલા પાર્કિંગ પ્લોટ પરથી કેબિનો, લારી-ગલ્લા,
ઈલેક્ટ્રિક ડીપીઓ સહિતનાં દબાણો દૂર કરવા છેલ્લા પાંચેક વર્ષ કરતાં વધુ
સમયથી માત્ર કાગળ પર કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ દબાણો દૂર
થઈ શક્યાં નથી તે આશ્ચર્ય પમાડે તેવું છે. તો તંત્ર દ્વારા પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા
ઊભી કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ હજુ તેની અમલવારી ક્યારે થશે
તે મોટો સવાલ છે.