• મંગળવાર, 23 જૂન, 2026

ભુજ આરટીઓમાં લાયસન્સ ટ્રેકને ફરી `ગ્રહણ'

ભુજ, તા. 22 : આજના સમયમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટે એક તરફ સરકારનાં તંત્રો દ્વારા સમયાંતરે તપાસ હાથ ધરીને જરૂર જણાય ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તો બીજીતરફ ખુદ આરટીઓ કચેરીમાં જ યાંત્રિક ક્ષતિ સર્જાવાનાં કારણે છેલ્લા આઠ દિવસથી લાયસન્સ ટ્રેક ચાલુ ન થઈ શકતાં અંદાજે 1500થી વધુ અરજદારો લાયસન્સની પરીક્ષાથી વંચિત રહી હાલાકીનો ભોગ બન્યાની ફરિયાદ ઊઠી છે. આજે સતત આઠમા દિવસે પણ ભુજ આરટીઓનો લાયસન્સ ટ્રેક ચાલુ ન હોવાનું જાણવા મળ્યું છે. જાણકારો અનુસાર, ભુજ આરટીઓમાં એઆઈ આધારિત ટ્રેક શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ ટેકનિકલ ખોટીપાને કારણે એઆઈ આધારિત ટ્રેક શરૂ કરવાનું ઠેલાઈ રહ્યું છે તેમ આ જ ખોટીપાથી ટ્રેકની કામગીરી પણ ખોરવાઈ જતાં નવાં ટુ-વ્હીલર અને ફોરવ્હીલર લાયસન્સ ઈચ્છુકો અને રિન્યૂ માટેના અરજદારો પણ રઝળી પડયા છે. જો કે, અધિકારીઓનો સંપર્ક થઈ ન શકતાં આ અંગેનૃં સત્તાવાર કારણ બહાર આવી શક્યું નથી. મળતી ફરિયાદ મુજબ ભુજની કચેરીમાં લાયસન્સ ટ્રેક કામગીરી લાંબા સમય બાદ છેલ્લા એક સપ્તાહથી ખોરવાવાનું શરૂ થતાં અરજદારોને હાલાકી થઈ રહી છે. થોડા સમય પહેલાં સર્વર ચાલુ-બંધની સ્થિતિએ ધીમી ગતિથી રહેતાં અરજદારોની પરેશાની શરૂ થઈ હતી, તે પછી ગયા સોમવારથી ટેકનિકલ ક્ષતિ સર્જાવાને કારણે લાયસન્સ ટ્રેકની કામગીરી બંધ પડી હોવાની ફરિયાદ ઊઠી છે.

Panchang

dd