• મંગળવાર, 23 જૂન, 2026

હરિત સંદેશ સાથે બે લાખથી વધુ લોકોને છાશ વિતરણ કરાયું

ભુજ, તા. 22 : જૈન સેવા સંસ્થા નવચેતન-ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, ભુજ દ્વારા લાલ ટેકરી ખાતે શરૂ કરાયેલ નિ:શુલ્ક છાશ કેન્દ્રનું 71 દિવસની સફળ સેવાયાત્રા બાદ સમાપન કરાયું હતું. બે લાખથી વધુ લોકોએ છાશનો લાભ લીધો હતો, જ્યારે પર્યાવરણ સંરક્ષણના હેતુસર પ્લાસ્ટિક ગ્લાસના ઉપયોગને અટકાવવામાં સફળતા મળી હતી. શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તથા સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં ગરમીમાં શ્રમજીવી અને જરૂરિયાતમંદ વર્ગને રાહત મળે તે હેતુસર છાશ કેન્દ્ર શરૂ કરાયું હતું. આ સેવાયજ્ઞમાં કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબિયા પરિવાર, સ્વ. ચેતન મહેતા પરિવાર, દાવડા સ્વીટ્સ, સોનુબેન-વીરેનભાઈ શાહ, મંછાબેન કેશવલાલ સંઘવી પરિવાર, ડો. હેમાલીબેન મુકેશભાઈ ચંદે તથા એક સદગૃહસ્થ સહિત અનેક દાતાઓએ સહયોગ આપ્યો હતો. સમાપન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષસ્થાને દાતા પરિવારના અજયભાઈ દાવડા, ભારતીબેન મહેતા તથા ડો. રૂપાલીબેન મોરબિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા પ્રકલ્પની વિશેષતા એ રહી કે, છાશ પીવડાવવા માટે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરાયો હતો. પર્યાવરણ બચાવોના સંદેશ સાથે પ્લાસ્ટિક ગ્લાસના ઉપયોગને અટકાવી હરિત સંદેશ આપ્યો હતો. સેવા આપનારા હિંમતલાલ રાજગોર, પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી, ભાવનાબેન જોશી, ગિરીશભાઈ પારેખ સહિતના સેવાકાર્યકરોની કામગીરીને બિરદાવાઈ હતી. મહેશ પ્રભુલાલ મહેતા, કે.બી. પરમાર, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, કૌશિક મહેતા, મનીષ મહેતા, ચિંતન મહેતા, હર્ષદભાઈ નિર્મલ, પૂર્વીબેન નિર્મલ સહિતના કાર્યકરોએ અવિરત સેવા આપી હતી તેવું મહેશ પ્રભુલાલ મહેતા દ્વારા યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd