• ગુરુવાર, 11 જૂન, 2026

ભુજના વોર્ડ નંબર 11, મંદિર રોડ પાસેના વિસ્તારોમાં ટ્રેઈલરોનો આતંક

ભુજ, તા. 10 : શહેરના ચંગલેશ્વર સોસાયટીથી લઈને ભાજપ કાર્યાલય કમલમ સુધીનો આખો રહેણાક પટ્ટો હાલમાં જીવલેણ બનેલાં ભારે વાહનોના કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. મુંદરા રોડ પરથી આવતા ભારે માલવાહક ટ્રક-ટ્રેઈલરો નિયત રૂટ છોડીને સોસાયટીઓ વચ્ચેથી બેફામ સ્પીડે પસાર થતાં હોવાના કારણે સ્થાનિક રહીશોમાં અસંતોષ ઊભો થયો છે. તાજેતરમાં જ આ માર્ગ પર અકસ્માત થતા-થતા રહી ગયો હતો, જેણે સ્થાનિકોની ધીરજની સીમાને સવાલ કર્યો છે. મુંદરા રોડ તરફથી આવતાં ભારે વાહનોએ એરોપ્લેન સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રવાળા રસ્તે થઈને માધાપર તરફ અથવા પુનિત વન વાળો રસ્તો પકડીને માંડવી-નખત્રાણા રૂટ પર જવાનું હોય છે, પરંતુ વાહનચાલકો માંડવી-નખત્રાણા રૂટ માટે માત્ર આઠ કિલોમીટરનો ફેરો બચાવવા ચંગલેશ્વર સોસાયટી પાસેના માર્ગથી પ્રમુખસ્વામી નગર ચોકડી થઈને ભાજપ કાર્યાલય કમલમવાળા રોડ સુધીના આખા રહેણાક વિસ્તારને હાઈવે સમજીને વાહનો હંકારી રહ્યા છે. આ વિસ્તારના રહીશો અત્યારે બેવડા ત્રાસનો સામનો કરી રહ્યા છે. એક તરફ કોલોનીની બિલકુલ નજીક એસ.ટી. બસોનો વર્કશોપ આવેલો હોવાથી તાતિંગ બસોનો ખડકલો સોસાયટીના નાકે રહે છે, પીધેલા કર્મીઓ અને સલામતીના પ્રશ્નો રાત્રિ સમયના સાથી બનીને બાથ ભીડે છે, તો બીજી તરફ, ભારે લોડેડ ટ્રેઈલરોએ લોકોનાં મોતને આમંત્રણ આપવા સમાન બનાવી દીધા છે.  મહાદેવનગર, વાલદાસ નગર, ઓધવ એવન્યૂ જેવી કોલોનીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરી આક્રોશ ઠાલવીએ એટલે પોલીસની એક-બે દિવસ પેટ્રાલિંગ દેખાય, થોડી કાર્યવાહી થાય અને વળી પાછા એકાદ બે મહિનામાં એ જ પરિસ્થિતિ થઈ જાય છે. કાયમી ઉકેલના અભાવે જો ચંગલેશ્વર કે પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોની? આશ્ચર્યની વાત એ પણ છે કે, આ માર્ગો પર સલામતીનો હેતુ સાચવીને સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. 

Panchang

dd