કટારીયા (તા.ભચાઉ), તા.10 : શિક્ષણ અને
સંસ્કારની જ્યોત છેલ્લા 85 વર્ષોથી અવિરત
પ્રજ્વલિત રાખતી સંસ્થા `શ્રી વર્ધમાન
જૈન બોર્ડિંગ અને વિદ્યાલય' ના ઇતિહાસમાં
વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. સંસ્થાના નવનિર્મિત `ચંચળબા વિદ્યાલય સંકુલ'ના અત્યાધુનિક શૈક્ષણિક બિલ્ડિગનું અગ્રણીઓની
ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં અગ્રણીઓ, વાલીઓ,
વિદ્યાર્થીઓ, દાતાઓ અને શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.1942માં શરૂ થયેલી
આ સંસ્થા 85 વર્ષની ગૌરવગાથા ધરાવે છે.
કચ્છના ગ્રામીણ વિસ્તારના 32 ગામ ના હજારો
વિદ્યાર્થીઓને મફત રહેઠાણ, ભોજન અને શિક્ષણ
આપીને આ સંસ્થાએ અનેક પેઢીઓનું ઘડતર કર્યું છે. ટ્રસ્ટીઓએ કહ્યું કે, `85 વર્ષની યાત્રા સંઘર્ષ, સમર્પણ અને સેવાની યાત્રા છે. આજનું નૂતન સંકુલ
એ જ પરંપરાને આગળ વધારવાનું એક પગલું છે.' કાર્યક્રમમાં ઉપસ્થિત
રહેલા મુખ્ય વક્તા વિરાજ પી. શાહે પ્રવચનમાં
જણાવ્યું કે, ` આજના આધુનિક
યુગમાં માત્ર અક્ષરજ્ઞાન પૂરતું નથી. સાચું શિક્ષણ એ છે જે માણસને ગણતર આપે, જીવન જીવવાની કળા શીખવે, નિર્ણય શક્તિ વિકસાવે અને સંસ્કારનું સિંચન કરે.' લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ દુહા,
છંદ અને શૌર્યરસની સરવાણી વહાવી હતી. તેમણે કહ્યું, ` શિક્ષણ સાથે માતૃભાષા અને સંસ્કૃતિનું જતન
કરવું એ જ સાચી દેશભક્તિ છે.' કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓની
સાથે હિન્દુ, મુસ્લિમ, લોહાણા, પટેલ, રબારી સહિતના તમામ સમાજના આગેવાનો, સરપંચો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન પણ યોજાયું હતું.
સંસ્થાના પદાધિકારીઓએ જણાવ્યું કે ગ્રામીણ બાળકોને વૈશ્વિક સ્તરનું શિક્ષણ મળે તે હેતુથી
આ `ચંચળબા વિદ્યાલય સંકુલ' નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવું બિલ્ડિગ સ્માર્ટ ક્લાસરૂમ, સાયન્સ - કોમ્પ્યુટર લેબોરેટરી, લાઈબ્રેરી, ડિજિટલ લર્નિંગ સેન્ટર, ઓડિયો - વિઝ્યુઅલ રૂમ અને આધુનિક
રમત-ગમતના સાધનોથી સજ્જ છે. સંકુલનું નામકરણ `ચંચળબા વિદ્યાલય' એ દાતા પરિવારના માનમાં રાખવામાં આવ્યું છે,
જેમણે શિક્ષણ કાર્યમાં ઉદાર દાન આપીને આ સ્વપ્નને સાકાર કર્યું.