ભુજ, તા. 10 : શાકભાજીના ભાવમાં ફરી એકવાર
વધારો થવા સાથે સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે. ટમેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચતાં
ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ટમેટાં ઉપરાંત લીલા મરચાં, લીંબુ અને શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો
થયો છે. વધતા ભાવના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને દૈનિક ખર્ચમાં વધારો સહન
કરવો પડી રહ્યો છે. ગૃહિણીઓ શાકભાજીની ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બની છે અને વિકલ્પો
તરફ વળી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકના
જણાવ્યા મુજબ થોડા સમય પૂર્વે જે ટમેટાં 30થી 40 રૂા. પ્રતિ
કિલો મળતા હતા. તે હવે બમણા-ત્રણ ગણા ભાવે વેચાઇ રહ્યા છે, જેના પગલે માસિક ઘરખર્ચનું આયોજન મુશ્કેલીમાં
પડી રહ્યું છે. વેપારીઓના માટે હાલની સ્થિતિમાં ભાવ ઘટાડાની કોઇ શક્યતા દેખાતી ન હોવાનું
જણાવ્યું હતું. ઉનાળામાં ગરમી અને કેટલાક પાકને થયેલી અસરને કારણે બજારમાં આવતા શાકભાજી
મોંઘા ભાવે વેચાઇ રહ્યા હોવાનું ઉમેર્યું હતું. ગ્રાહકો દ્વારા અસંતોષ વ્યક્ત કરતાં
ભાવ નિયંત્રણ માટે પગલાં લેવાય તેવી માંગ ઊઠી હતી. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા બજેટ
ખોરવાયું હોવાની રાવ ઊઠી હતી.