હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 10 : ગુજરાત સરકારના પ્લાનિંગ મોડ્યુલ
PLM-4 હેઠળ ગુજરાત સામાજિક આંતરમાળખાકીય
વિકાસ સોસાયટી-GSIDS દ્વારા રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં સામાજિક અને આંતરમાળખાકીય
સુવિધાઓ માટે એક વ્યાપક પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત સરકારની
100 ટકા ગ્રાન્ટની સહાયથી સમયબદ્ધ
આયોજન મુજબ, તમામ લક્ષ્યાંકો સિધ્ધ
કરવાનું લક્ષ્ય છે. રાજ્યના આયોજન વિભાગ હેઠળ કાર્યરત GSIDS દ્વારા સત્તાવાર રીતે જાહેર
કરાયેલી વિગતો અનુસાર, આ પ્રોજેક્ટનો
મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે ડેટા એકત્રીકરણને મજબૂત બનાવવાનો અને ગ્લોબલ સસ્ટેનેબલ
ડેવલપમેન્ટ ગોલ્સ-SDG એટલે કે ટકાઉ
વિકાસના લક્ષ્યાંકોને જિલ્લા સ્તરે સફળતાપૂર્વક લાગુ કરવાનો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે
રાજ્ય સરકાર સંચાલિત છે. આ પ્રોજેક્ટ દ્વારા હવે,
રાજ્યના તમામ 34 જિલ્લા અને તમામ તાલુકાઓનો વિકાસાત્મક ડેટા આધુનિક પોર્ટલ પર
લાઈવ ડિજિટલ મોનિટરિંગ હેઠળ લવાશે. પ્રોજેક્ટના એક્શન પ્લાનમાં કહેવાયું છે કે, આ યોજના અંતર્ગત વહીવટી સ્તરે અને આધુનિક ટેકનોલોજીના
માધ્યમથી મુખ્ય ચાર સ્તરો પર કામગીરી રહી છે. જે મુજબ, SDG લોકલાઇઝેશન અંતર્ગત તમામ જિલ્લાઓ
માટે વિશેષ District SDG Report તૈયાર કરાશે.
જેના આધારે જે તે જિલ્લાની સ્થાનિક જરૂરિયાતો સમજીને ભવિષ્યનું આયોજન સરળ બનશે. જે
રાજ્યના ભવિષ્યના આયોજન માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. માત્ર જિલ્લા નહીં, પણ તમામ તાલુકા સ્તર સુધીના ડેટા પર નજર રખાશે.
એમ કહેવાય છે કે, સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ગ્લોબલ ગોલ્સને ગુજરાતના ગામડાઓ સુધી લાવવાનો આ સીધો પ્રયાસ
છે. એવી જ રીતે, તાલુકા સ્તરે માહિતી એકત્રીકરણ
કરાશે. જેમાં રાજ્યના તમામ તાલુકાઓની તાલુકા ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગતની તમામ આંકડાકીય
અને વિકાસલક્ષી માહિતીઓ એકત્રિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી થશે. ગુજરાત ઇન્ટીગ્રેટેડ
સ્ટેટેસ્ટિકલ સિસ્ટમ-GISS પ્લેટફોર્મ સાથે જોડાણ કરાશે. જેમાં ડિસ્ટ્રિક્ટ
ઇન્ડિકેટર ફ્રેમવર્કની તમામ વિગતોને આ ગુજરાત ઇન્ટીગ્રેટેડ સ્ટેટેસ્ટિકલ સિસ્ટમ-GISS પોર્ટલ પર અપલોડ કરીને લાઇન ડિપાર્ટમેન્ટ્સ દ્વારા
ઉપલબ્ધ કરાવાશે. જેથી રાજ્યના તમામ 34 જિલ્લાઓની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર મળી રહેશે.આ ઉપરાંત
ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિકેટર્સનું મોનિટરિંગ કરાશે. જેને Gswift Portal ઉપર મેપ કરાયેલી વિવિધ
સરકારી યોજનાઓમાં ટકાઉ વિકાસના લક્ષ્યાંકોનું યોગ્ય અને સચોટ મોનિટારિંગ સુનિશ્ચિત
કરાશે. આ પ્રોજેક્ટથી માત્ર માહિતીનું એકત્રીકરણ જ નહીં પરંતુ તેના આધારે ભવિષ્યમાં
સચોટ નીતિ-નિર્ધારણ કરવામાં મોટી મદદ મળશે. એમ કહી શકાય કે હવે, તમામ તાલુકાઓનો ડેટા સમયસર અપડેટ થાય તે માટે
વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. સરકારના આ સંયુક્ત પ્રયાસો દ્વારા SDG-2030ના વૈશ્વિક લક્ષ્યાંકોને સમય
મર્યાદામાં સિધ્ધ કરવા માટેનું આ એક મોટું અને મજબૂત કદમ મનાઈ રહ્યું છે.