• સોમવાર, 13 એપ્રિલ, 2026

ગાંધીધામમાં રેલવે કોચ રેસ્ટોરાંનું નિર્માણ ચાલુ

ગાંધીધામ, તા. 12 : કચ્છમા રેલવે દ્વારા પ્રવાસી સુવિધાઓ માટે અનેક માળખાકીય કાર્યો હાથ ધરાઈ રહ્યાં છે. સમગ્ર દેશમાં રેલવે દ્વારા કોચ રેસ્ટોરાંનો પ્રકલ્પ હાથ ધરાયો છે. આ અંતર્ગત કચ્છમાં ગાંધીધામ ખાતે કોચ રેસ્ટોરાંને મંજૂરી આપવામાં આવી છે. રેલવે સ્ટેશનની બાજુમાં જ નિર્માણ પામતાં રેસ્ટોરાંનું કામ ચાલુ છે. નજીકના ભવિષ્યમાં જ ગાંધીધામને નવતર સુવિધાની ભેટ મળશે. આ અંગે મળતી વિગતો મુજબ તાજેતરમાં જ રેલવે દ્વારા ગુજરાતમાં અનેક સ્થળોએ કોચ રેસ્ટોરન્ટને મંજૂરી આપવામાં આવી હતી. રેલવેના જુના થઈ ગયેલા ડબ્બાનું નવીનીકરણ કરીને તેમાં રેસ્ટોરન્ટ બનાવવામાં આવે છે. ગાંધીધામ મા રેલવે સ્ટેશનની બાજુમાં રેસ્ટોરન્ટ નું કામ કાલ ચાલુ છે. નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ઉપર રેસ્ટોરન્ટનું પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. પરિસરમાં રેલવે કોચ પાટા ઉપર મૂકવામાં આવશે. જેમાં 40 જણા બેસીને ટ્રેનમાં ભોજન કરતા હોય તેવો અનુભવ મેળવી શકશે. આ ઉપરાંત બહાર પણ બેઠક વ્યવસ્થા રાખવામાં આવશે.પરિસરમાં ગાર્ડાનિંગ પણ કરવામાં આવશે. તેમજ ઈ આકારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હાલ દુકાનોનું કામ પૂરું થઈ ગયું. કોચ માટે પાટા બિછાવી દેવાયા છે. રેલ્વે દ્વારા કોચ પણ ફાળવી દેવામાં આવ્યો છે. પરંતુ કોચ રેસ્ટોરન્ટ ની જગ્યા ઉપર લાવવા મા મુશ્કેલી હોવાનું જાણવા મળ્યું છે. રેલવે ના નવા આયોજનથી ગાંધીધામના લોકોને હોસ્પિટાલિટી ક્ષેત્રે એક નવો અનુભવ મળશે. ગાંધીધામ રેલવે સ્ટેશનની આસપાસ અનેક જમીનો બિનઉપયોગી પડી છે તેનો ઉપયોગ કરીને આવક મેળવવા માટે આ પ્રકલ્પ રેલવે દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખની છે કે કંડલા અને મુન્દ્રા બંદર ના કારણે માલ પરિવહનમાં ગાંધીધામ એરીયામાં થી અમદાવાદ ડિવિઝન ને જંગી આવક થાય છે. કોચ રેસ્ટોરન્ટ થકી પણ ગાંધીધામ થી રેલવેને સારી આવક મળશે. મળતી વિગતો મુજબ ભુજમાં પણ આ રેસ્ટોરન્ટ બનાવવાનું છે પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ કામગીરી થઈ ન હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. ભુજમાં જગ્યા નો પણ અભાવ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.  

Panchang

dd