મુંદરા, તા. 12 : મુંદરા શહેર અને તાલુકાભરમાં
ફોર્મ ભરાયાં પછીના દિવસથી જ ઉમેદવારોએ તેમની પ્રચાર ઝુંબેશનો આરંભ કરી દીધો હતો. મુંદરા
શહેરમાં રવિવાર સાંજે ભાજપે શહેર અને તાલુકાના કાર્યકરોનું મિલન ગોઠવાયું હતું, જ્યારે કોંગ્રેસે પણ પ્રચારની શરૂઆત કરી દીધી
છે. ડમી ઉમેદવાર અને ફોર્મ પાછા ખેંચાયા બાદની અંતિમ સ્થિતિ તો સોમવારે સાંજે સ્પષ્ટ
થઈ જશે, પરંતુ શનિવારે મુંદરા-બારોઈ નગરપાલિકાના સાત વોર્ડમાં
28 બેઠક માટે કુલ 100 ઉમેદવારનાં ફોર્મ ભરાયાં હતાં, જેમાં સૌથી વધુ 17 ફોર્મ વોર્ડ નંબર બેમાં અને
સૌથી ઓછા 12 ફોર્મ વોર્ડ નંબર સાત અને ચારમાં
ભરાયાં છે. ડમી ફોર્મ બાદ પછી સાતમા વોર્ડમાં માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. શનિવારે લોકશાહીના ઉત્સવ જેવો માહોલ શરૂ થયા બાદ
હવે ઉમેદવારોને ટૂંકા ગાળામાં ઉજાગરા કરીને ડોર ટુ ડોર પ્રચાર કરવાનો પડકાર છે, તો પ્રદેશ મહામંત્રીની હાજરી સાથેના કાર્યકરોના
મેળાવડા સાથે રવિવારે શહેરમાં ચૂંટણી માહોલ જામી ગયો છે. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ
દિવસ પહેલાં તાલુકામાં કેટલાક સ્થળે સામેના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચી લેવા આગ્રહ
કે દબાણ અથવા તો નિક્રિય રહેવા માટે ઓફર પણ ચલાવી દીધી હોવાનું રાજકીય સૂત્રો કહે છે.
ભાજપે વોર્ડ બે અને ચારમાં લઘુમતી ઉમેદવારની પસંદગી પણ રસપ્રદ બની રહેશે. - રાજકીય અસંતોષ : શહેર કોંગ્રેસમાંથી 30 વર્ષ જૂના કાર્યકર હરેશ કરમશી મોથારિયા તેમજ ઉમેદવારનાં સૂચનોની
અવગણના બદલ સંજય નારણદાસ ચોથાણી અને છેલ્લી ઘડીએ ટિકિટ ફેરફાર બદલ અજિતાસિંહ ભીમભા
જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું,
તો ફોર્મ ભરવાના દિવસે મૂળ મુંદરાના નહીં, પણ પક્ષ
કાર્યકર તરીકે યોગદાન આપનારા કેટલાક પરપ્રાંતિઓએ ભાજપે એક પણ ટિકિટ નહીં ફાળવવા બદલ
નારાજગી દર્શાવી અપક્ષ તરીકે ફોર્મ ભરવા છેલ્લી ઘડીએ પ્રયાસ આદર્યો હતો, જો કે, સમય અને ટેકેદારોની સંખ્યા તેમને નડી હોવાનું
જાણવા મળે છે. - મુંદરાના
લોહાણા સમાજમાં નારાજગી : મુંદરામાં
ટિકિટ મુદ્દે મોડેથી શનિવાર રાત્રે મુંદરા લોહાણા સમાજના આગેવાનોની બેઠક મળી અને ટિકિટ
ફાળવણીમાં યોગ્ય ન્યાય ન મળવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરાઈ હતી. એક વીડિયો જાહેર કરી
અને સમાજના મુંદરા પ્રમુખ કિશોરભાઈ ચોથાણીએ જણાવ્યું કે, દર વખતે ચૂંટણીમાં તાલુકા પંચાયત અને નગરપાલિકામાં
સમાજને બે ટિકિટો ફાળવવામાં આવે છે, પણ, આ વખતે નગરપાલિકામાં માત્ર એક ટિકિટ ફાળવણી સામે વિરોધ છે. યોગ્ય ન્યાયની અપેક્ષાએ
મતદાન બહિષ્કારની પણ ચીમકી આપી હતી. મંત્રી અમૂલભાઈ ચોથાણીએ આ સાથે જણાવ્યું કે,
આ બેઠકમાં સમાજના 70થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. ભાજપ સંગઠન તરફથી ટિકિટ ફાળવણી
મુદ્દે આશ્વાસન છતાં આમ થયું છે. દરમિયાન, જાણવા મળ્યા મુજબ મોડેથી અગ્રણીઓ ભાજપના મોવડીઓને પણ મળ્યા હતા પણ,
નારાજગી યથાવત્ હોવાની મંત્રીએ કહ્યું હતું.