• સોમવાર, 13 એપ્રિલ, 2026

વાગડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ઉત્સાહભર્યો માહોલ

ચોબારી, તા. 12 : લોકશાહીના પર્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાંચ વર્ષ બાદ ફરી ઉત્સાહ લાવી છે. લોકો તૈયારીઓમાં લાગ્યા છે, તો બીજી તરફ જેમને ટિકિટ નથી મળી તેવા લોકોમાં અસંતોષ-નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા વાગડ વિસ્તારમાંથી તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો માટે મોટાભાગના નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ઉત્સાહ છે તો બીજીતરફ જૂના કાર્યકર્તાઓની બાદબાકી થતાં નારાજગી છે, પણ પાર્ટી સાથે છે તે કાર્યકર્તાઓ શું કરશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ કોંગ્રેસમાં તો છેલ્લી ઘડીએ ઉમેદવારો તૈયાર થયા હતા. ફોર્મ ભરાયાં બાદ તુરંત ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.  કાર્યાલયો ધમધમતા થયાં છે, રાત્રિ સભાઓ, ખાટલા બેઠકોનો દોર પણ શરૂ થયો છે. શેરી-ગલીઓ અને ફળિયાઓમાં ચૂંટણીની ચર્ચા એ જોર પકડયું છે. ચોબારી વિસ્તારમાં ભાજપનું જોર જોવા મળે છે, તો સામા પક્ષે મોટાભાગે નજીક દૂરના સંબંધીઓએ જ ઝંપલાવ્યું છે. અહીં પાર્ટીનું રાજકારણ નહીં, પરંતુ સગાવાદનો પક્ષ કામ કરે છે. મોટા પરિવારો જોઈને ઉમેદવારની પસંદગી કરવામાં આવી હોય તેવો વર્તારો છે. ચોબારી જિલ્લા પંચાયતની સીટ સાથે ખડીર વિસ્તારનો સમાવેશ થાય છે. ગત ટર્મમાં ખડીરના સ્થાનિક ઉમેદવારને તક આપવામાં આવી હતી, જેમાં ભાજપ તરફી જીત થઈ હતી. આ વખતે ચોબારીના મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, જે અગાઉ સરપંચ પદે રહી ચૂક્યાં છે, જ્યારે સામા પક્ષે કોંગ્રેસમાંથી ભાજપના જ જૂના કાર્યકર્તા પરિવારમાંથી મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, જે રાજકારણ માટે સાવ નવો ચહેરો છે. 

Panchang

dd