• સોમવાર, 13 એપ્રિલ, 2026

પશુધન, ડેરીઉદ્યોગ આર્થિક સશક્તિકરણનું કેન્દ્ર

રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી) તા. 12 : જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં દૂધ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળતાં પશુધન ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ નોંધાયો છે. પરંપરાગત ખેતી સાથે પશુપાલન ફુલ્યોફાલ્યો છે, જેના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીના નવા વિકલ્પ ઊભા થઈ રહ્યા છે અને જેના લીધે અનેક મહિલાઓ તથા પશુપાલકો,પશુ તબેલા બનાવી અને સારી એવી રોજગારી મેળવી રહ્યા છે. સાથોસાથ આધુનિક તકનિકો પ્રત્યે જાગૃતિ વધતાં પશુઓની સંખ્યા સાથે તેમની ગુણવત્તામાં પણ વધારો થયો છે. ખાસ કરીને કૃત્રિમ ગર્ભાધાન પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે, જેના પરિણામે સુધારેલ અને ઉચ્ચ ઉત્પાદક ક્ષમતા ધરાવતા પશુઓનું સંવર્ધન શક્ય બન્યું છે. આ પદ્ધતિ દ્વારા ગીર, કાંકરેજ જેવી દેશી જાતિઓનું સંવર્ધન જ નહીં, પણ શંકર (જરસી) જાતિના પશુઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. જે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરે છે. - ગીર અને કાંકરેજ ગાય ઉત્તમ : ગીર અને કાંકરેજ જાતિની ગાય તેમની ઉત્તમ દૂધક્ષમતા અને પર્યાવરણ અનુરૂપ જાણીતી છે. આ જાતિઓનાં સંવર્ધન સાથે હવે સુધારેલા પશુધનનો વિસ્તાર વધુ મજબૂત બની રહ્યો છે. અને પશુપાલકો પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેમ કે, સંતુલિત આહાર, પશુ આરોગ્યની નિયમિત તપાસ અને યોગ્ય સંભાળ જેનાં કારણે પશુઓની ઉત્પાદકતા વધતી જોવા મળી રહી છે, તો ભેંસની પણ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને એમા પણ રૂપાળા પશુ તરીકે જાણીતી બન્ની ભેંસમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે અને દૂધ વ્યવસાય સાથે પશુ લે-વેચ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. - પશુપાલન મુખ્ય આવકનો સ્રોત બન્યો : પશુપાલન વ્યવસાય આજે માત્ર પૂરક આવકનું સાધન નથી રહ્યો, પરંતુ તે ઘણા પરિવારો માટે મુખ્ય આવકનો સ્રોત બની ગયો છે. જિલ્લામાં યુવાનો પણ આ ક્ષેત્ર તરફ આકર્ષાઈ રહ્યા છે, જેનાથી આવનારા સમયમાં આ ઉદ્યોગ વધુ વિસ્તરણ પામશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. આવો જાણીએ વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાઈ અને રોજીરોટી સાથે નવી ઓળખ ઊભી કરી છે. - મહેનત મુજબ વળતર મળી રહે : માંડવીમાં કલવાણ રોડ ઉપર બે દાયકાથી આ ક્ષેત્રે કામ કરતા મંજુલાબેન શામજી લાલજી કેરાઈ દેશી, ગીર, સંકર સહિતની 80 જેટલી ગાયો રાખી પોતે તથા પતિ અને પુત્ર ત્રણ જણના સ્વબળથી મહેનત સાથે રોજીરોટી મેળવે છે. તે કહે છે કે, આ વ્યવસાયની હવે આદત પડી ગઈ છે. શહેરમાં ચોખ્ખું ગાયનું દૂધ 55 રૂપિયા એક લિટરની ફેરીમાં વેચાણ સાથે અનેક લોકોનો એડવાન્સમાં ઓર્ડર રહે છે. ભલે ખડ, ભૂસું, રાજદાણ સાથે ગવાતરી, ભુતડી (મગફળી)નો ચારો વિ. મોંઘા થઈ રહ્યા છે, પણ તે મુજબ દૂધના ભાવ જળાવયેલા હોતાં મહેનત કરીએ તો રોજીરોટી મળી રહી છે. આ વ્યવસાય કરવો હોય તો પશુઓના ચારાની વ્યવસ્થા સિઝન મુજબ પહેલાંથી જ કરવી જોઈએ. તો આ વ્યવસાય સાથે નગરપાલિકા કાઉન્સિલર (સદસ્ય) તરીકે પણ સેવા આપી હતી અને તેમના ક્ષેત્રના વિકાસના કામોમાં સહયોગી બન્યા હોવાનું ઉમેર્યું હતું. - 50 હજારની પાડીથી એકથી સવા લાખની ભેંસ : કાઠડાના ગઢવી અશોક વિશ્રામ કેસરિયાએ એક દાયકા જેટલા સમયથી ભેંસ દૂધ ઉત્પાદન સાથે 40 જેટલી ભેંસો ધરાવે છે અને કહે છે કે, 20 વર્ષનો હતો ત્યારે આ વ્યવસાયમાં રુચિ આવી જતાં આજે 38 વર્ષની વયે પણ આ જ વ્યવસાયમાં છું. ભેંસોના ભાવ અંગે પૂછતાં ઉમેર્યું કે, નાનકડી પાડી પણ 50 હજારથી શરૂ થઇને સારી ભેંસ એકથી સવા લાખ સુધી વેચાય છે અને સમય જતાં ભેંસો વધતી જાય એ જ અમારી મૂડી હોય છે. રોજનો દૂધના વ્યવસાયમાં ઘર ચાલ્યા રાખે અને વધુ મૂડીની જરૂર રહે તો ભેંસ વેચાણ કરીએ તો મૂડી મળી રહે. તો અન્ય યુવાન કાઠડાના કનૈયા જીવણ પાસ્તા, પ્રકાશ બાવાજી વિ. યુવાનો આ ક્ષેત્રમાં જોડાયેલા છે. - કૃત્રિમ ગર્ભાધાનમાં સિદ્ધિ : ગીર, દેશી, સંકર અને કાંકરેજ ગાયોનું કૃત્રિમ ગર્ભાધાન અંગે તબીબ હિતેષભાઇ પટેલનો સંપર્ક સાધતાં જણાવ્યું કે, કૃત્રિમ ગર્ભાધાનના લીધે 99 ટકા વાછરડી જ જન્મે છે અને પશુપાલકની માંગ મુજબ ગીર, દેશી, કાંકરેજ વિ.નું બિયારણ અપાતાં તે મુજબ જાતિ જન્મે છે, જે પણ એક સિદ્ધિ કહી શકાય. કચ્છમાં હાલમાં અનેકગણું પશુધન હોવાનું ઉમેર્યું હતું. દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા કાઠડાના ગોવિંદ વાલજી પાસ્તા કહે છે કે, ડેરી ઉદ્યોગ વિકસતાં દૂધની માંગ જિલ્લામાં ખૂબ વધી છે અને દૂધ ઉત્પાદન વધારવા પશુપાલકો પણ ઘર માટે ગીર, દેશી ગાય અને દૂધ વેચાણ માટે સંકર (જરસી) ગાય વસાવે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવા સંકર ગાય પણ ખૂબ જ વધી છે, જે એક દિવસનું 14થી 16 લિટર દૂધ આપે છે. - કાંઠાળ પટ્ટીમાં નંદીશાળાઓ આશીર્વાદરૂપ : જિલ્લામાં પશુધન વધતાં રખડતા અને સ્વાર્થ વગરના નધણિયાતાં પશુઓનું પ્રમાણ ખૂબ વધતાં જાગૃત સંસ્થાઓએ નંદીશાળાઓ શરૂ કરી છે, જે નિ:સ્વાર્થ પશુઓ માટે આશીર્વાદરૂપ છે. હાલમાં ભાડા, નાના લાયજા, મોટા લાયજા, કાઠડા, મોટા ભાડિયા સહિતનાં ગામોમાં નંદી શાળાઓ કાર્યરત છે, જે પણ એક નિ:સ્વાર્થ સેવા હોવાનું કહેતાં ભાડાના સામરા રણમલ ગઢવીએ જણાવ્યું કે, વાછરડો જન્મે તો લોકો કાઢી મૂકે છે. જેના માટે આવી શાળાઓ આશીર્વાદરૂપ છે અને તેની  સેવા માટે  સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે. 

Panchang

dd