• સોમવાર, 13 એપ્રિલ, 2026

ભીમાસર પાસે બે બાઈક ભટકાતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 12 : રાપરના ભીમાસર નજીક બે બાઈક ભટકાતાં આડેસરના ઈદ્રીશ હાસમ હિંગોરજા (ઉ.વ. 28)નું મોત થયું હતું. બીજી બાજુ શિકારપુર નજીક અજાણ્યા વાહન હડફેટે 65 વર્ષીય અજાણ્યા ભિક્ષુકનું મોત થયું હતું.  નખત્રાણા તાલુકાના રતાડિયા પાસે અકસ્માત સર્જાતાં બાઈકચાલક 38 વર્ષીય શ્રમિક યુવાન ગુલાબભાઈ અરજણભાઈ પણદાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.  આડેસરમાં રહેનાર ઈદ્રીશ નામનો યુવાન કામ અર્થે રાપર હતો ત્યાંથી તા. 9/4ના સવારના ભાગે તે પરત બાઈક નંબર જી.જે.-12-ઈએલ-7944 લઈને આડેસર આવી રહ્યો હતો તેને રાપર આડેસર રોડ ભીમાસર નજીક પાવરહાઉસ પાસે અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સામેથી રોંગસાઈડમાં આવતી બાઈક નંબર જી.જે.-16-એએલ-3007ના ચાલકે આ યુવાનના બાઈકમાં પોતાનું બાઈક ભટકાવતાં ઈદ્રીશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે પલાંસવાની હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી બાઈકચાલક સામે સબિર હાસમ હિંગોરજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ સામખિયાળીથી માળિયા જતાં ધોરીમાર્ગ પર શિકારપુર નજીક મોમાઈ કૃપા હોટેલની સામે બન્યો હતો. હોટેલ ચલાવતા ફરિયાદી વિનોદ સામજી ગાંગસ (કોપે) પાસે ગત તા. 9/4ના રાત્રિના ભાગે 65 વર્ષીય ભિક્ષુક વ્યક્તિ આવી હતી, જેને આ ફરિયાદીએ ચા-નાસ્તો આપ્યો હતો. બાદમાં આ વૃદ્ધ સામે માર્ગ ઓળંગવા જતાં અજાણ્યા વાહને તેમને હડફેટમાં લેતાં ગંભીર ઈજાઓના પગલે આ વૃદ્ધે જીવ ખોયો હતો. ડામરના પ્લાન્ટમાં મજૂરીકામ કરતો ગુલાબભાઈ ગત તા. 10/4ના સાંજે નખત્રાણાના રતાડિયા માર્ગ પરથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થતાં તેને માથાંમાં ગંભીર ઈજા થઈ હતી જેનું આજે સારવાર દરમ્યાન ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થયાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર થઈ હતી. 

Panchang

dd