નવી દિલ્હી, તા. 12 : ભારતે ચીનના
એ પ્રયાસોને કડક તમાચો માર્યો છે, જેમાં
તેણે અરુણાચલપ્રદેશનાં કેટલાક સ્થળોનાં નામ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય વિદેશ
મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે કે, આ પ્રકારની
હરકતો ભ્રામક અને નિરર્થક છે અને ભારત તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. મંત્રાલય મુજબ
ચીન તરફથી લેવામાં આવેલું આ પગલું ખોટું અને પાયાવિહોણું છે. અરુણાચલપ્રદેશ હંમેશાંથી
ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે. ભારતે સ્પષ્ટ કર્યું હતું કે,
ચીન દ્વારા કોઈ પણ રીતે નામ બદલવા અથવા ખોટા દાવા કરવાથી જમીની હકીકત
બદલાતી નથી. સરકારે એમ પણ કહ્યું કે, ચીનના આ પ્રકારના પ્રયાસો
ભ્રામક અને પાયાવિહોણા છે, જેને ભારત સંપૂર્ણપણે ફગાવી દે છે.
આ દરમિયાન વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો હતો કે, તે પોતાની
સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર કોઈ બાંધછોડ કરશે નહીં. અરુણાચલપ્રદેશ હંમેશાંથી
દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યો છે અને રહેશે. જણાવી દઈએ કે, વિદેશ મંત્રાલયનું
આ નિવેદન ચીનના એ હેવાલ બાદ આવ્યું છે જેમાં તેણે અરુણાચલપ્રદેશના કેટલાક વિસ્તારોનાં
નવાં નામ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં, ભારતે
તેને ફરી એકવાર રાજકીય અને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે અને આવા તમામ દાવાઓને સંપૂર્ણપણે
ફગાવી દીધા છે. ભારતે જણાવ્યું કે, ચીન દ્વારા ખોટા દાવા કરવાથી
કે પાયાવિહોણી વાતો ફેલાવવાથી વાસ્તવિકતા બદલાતી નથી. આવાં કૃત્યો ભારત-ચીન વચ્ચેના
દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના પ્રયાસોમાં અવરોધ ઊભો કરે છે.