• બુધવાર, 25 માર્ચ, 2026

ચાર શાસક બદલ્યા, પણ 15 દુકાનના શટર ન જ ખુલ્યા...!!

ભુજ, તા. 23 : શહેરના પોશ વિસ્તાર અને મુખ્ય માર્ગો પર મિલકતોના ભાવ આસમાન આંબી રહ્યા છે ત્યારે  ભુજ સુધરાઇ હસ્તકની 15 આસપાસ દુકાનો ધમધમતા માર્ગો પર ધૂળ ખાઇ રહી છે. શાસકોને આ દુકાનોમાં કોઇ રસ જ ન હોય તેમ દુકાનો બની ત્યારથી આજ દિવસ સુધી તેના શટર પણ નથી ખુલ્યા. વર્ષો પહેલાં ભુજ નગરપાલિકા દ્વારા લેકવ્યૂ પાસે, ટાઉનહોલ નજીક અને ઇન્દિરાબાઇ પાર્કને અડીને માર્ગ પર પંદરેક દુકાનો બનાવાઇ હતી. જ્યારે બની ત્યારે એવી ચર્ચા હતી કે, આ દુકાનોનાં ભાડાં સુધરાઇની તિજોરી માટે ફાયદાકારક રહેશે, પરંતુ  તેવું થયું નહીં. જે-તે સમયે દુકાનો બેંકને જ આપવામાં આવશે તેવા ઠરાવ બાદ આજ દિવસ સુધી તેની વહીવટી ગૂંચ ન ઉકેલાતાં આ કિંમતી મિલકતો ધૂળ ખાઇ જર્જરિત બની રહી છે. સંભવત: ભુજ સુધરાઇના વર્ષ 2018ના શાસકોના કાર્યકાળના અંતે ઉપરોક્ત દુકાનો તૈયાર થઇ ગઇ હતી. ત્યારબાદ તાજેતરના મળીને કુલ્લ ચાર શાસકોનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો. વચ્ચે થોડા સમય માટે વહીવટદાર શાસન પણ આવ્યું તેમ છતાં આ મહામૂલી દુકાનો બન્યા બાદ તેના શટર પણ નથી ખોલી શકાયા. શાસક પક્ષના વિકાસના નારા વચ્ચે કિંમતી દુકાનોનો વિકાસ રૂંધાતો હોવાની લાગણી  જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. શહેરના મુખ્ય વિસ્તાર અને મુખ્ય માર્ગો પર બનેલી લાખેણી દુકાનોની ગૂંચ યેનકેન કારણોસર શાસક પક્ષ તો નથી ઉકેલી શકયા અને છેલ્લા કેટલાક વર્ષોથી દુકાનોને ભાડે આપવાનો નિર્ણય આર.સી.એમ. અને કલેકટર સમક્ષ પડતર છે. હાલમાં તો ઉપરોક્ત સુંદર દુકાનોને ધૂળ ચડી રહી છે અને શટર જામ થઇ ગયા છે. વર્ષોથી બંધ પડી હોવાથી અંદરની સ્થિતિ કેવી હશે તે તો શટર ખુલ્યા પછી જ ખ્યાલ આવી શકે, પણ સુધરાઇને લખોની કમાણી કરી આપવા સક્ષમ આ દુકાનો અંગે તંત્ર નિર્ણય લે તો મસમોટા ખર્ચે બનેલી દુકાનોનો ખર્ચ એળે ન જાય તેવું  જાગૃત નાગરિકો કહી રહ્યા છે. અત્રે, ઉલ્લેખનીય છે કે, ભાડા હસ્તકની અનેક દુકાનોનો લાંબા સમય સુધી કોઇ નિર્ણય ન આવતાં અંતે ખંડેર બનીને પડી છે. જો સુધરાઇ હસ્તકની આ દુકાનો નહીં ખૂલે તો તેની હાલત પણ ખંડેર જેવી થઇ જશે.

Panchang

dd