ભુજ, તા. 23 : છેલ્લા
બે દાયકા કરતાં વધુ સમયથી નિયમિત રીતે થતા રહેલા પ્રયાસોનાં પરિણામરૂપે કચ્છની
ખેતીમાં એક ધ્યાન ખેંચે તેવો બદલાવ એ આવ્યો છે કે ગામડાંઓમાં વાડી-ખેતરમાં બેસી ન
રહેતાં ખેડૂતોએ સીધી બજારની વાટ પકડવા માંડી છે, પરંતુ હજુ આ પ્રમાણ ઓછું છે. ગામેગામથી
કિસાનો શહેરોની બજારોમાં જાતે ઊતરી પડે ત્યારે જ આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર
થશે તેવા સંદેશ સાથે શહેરના આંગણે વધુ એકવાર હાઇટેક કૃષિમેળો યોજાવા જઇ રહ્યો છે.
કચ્છમિત્રના મહત્ત્વપૂર્ણ સહયોગથી `નર્મી' સંસ્થા દ્વારા મુખ્ય
પ્રાયોજક એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ફાઉન્ડેશન, શ્રીગણેશ થ્રેસરના સહયોગથી મિરજાપર રોડ પર પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડના વિશાળ
પરિસરમાં ત્રીજી એપ્રિલથી ચાર દિવસ માટે 15મા હાઇટેક કૃષિમેળાનું આયોજન થઇ
રહ્યું છે. સરહદ ડેરી, આશાપુરા ફાર્મ, મંથન નર્સરી, રામકૃષ્ણ
ટ્રસ્ટ, ભારતીય કિસાન સંઘ, જિલ્લા
ખેતીવાડી પ્રશાસન, બાગાયત વિભાગ, આત્મા
સહિત સંસ્થાઓ તરફથી સહિયારો સહયોગ અને માર્ગદર્શન મળી રહ્યા છે. કચ્છના
અર્થતંત્રને વેગ આપવામાં ચાવીરૂપ એવા ચાર દિવસ માટે ડોમ સ્ટ્રકચરમાં યોજાતા કચ્છના
એકમાત્ર કૃષિમેળામાં મુલાકાત લઇને લાભ લેવાની આયોજકો તેમજ પ્રાયોજકોએ જિલ્લાના
કિસાનોને અપીલ કરી છે. આ હાઇટેક કૃષિમેળામાં એઆઇ ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ,
વિવિધ અત્યાધુનિક ટેકનોલોજી, આધુનિક ઉપકરણોનાં
જીવંત નિદર્શન, પ્રદર્શન આકર્ષણ જમાવશે. આયોજનની તડામાર
તૈયારીઓ વચ્ચે કૃષિ જગતની વિવિધ કંપનીઓમાં સહભાગી થવા માટે જબરો ઉત્સાહ જોવા મળી
રહ્યો છે.