ભુજ / મુંદરા, તા. 23 : પશ્ચિમ
એશિયાના સંઘર્ષની સંભવિત અસરો હવે દેખાવા લાગી છે. જેનો ભય સેવાતો હતો એ પેટ્રોલ
અને ડીઝલનો પુરવઠો યુદ્ધ બાદ પહેલીવાર અવરોધિત થયો હોવાના હેવાલ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક
વિસ્તારો બાદ કચ્છમાંથી પણ બહાર આવતાં તંત્રના સધિયારા છતાં રવિવારે સાંજથી પ્રથમ
મુંદરામાં અચાનક પેટ્રોલપંપ પર લાંબી કતારો લાગી ગઈ હતી અને એક પેટ્રોલપંપ પર
જથ્થો ખૂટયા બાદ વાત પ્રસરતાં તમામની સ્થિતિ એવી જ થવા લાગી હતી. દરમ્યાન, જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ કહ્યું હતું કે, સ્થિતિ ગંભીર નથી. અમે ક્યાં કેટલો જથ્થો છે એની આકારણી શરૂ કરી છે.
જ્યારે સવારે ગાંધીધામ, રાપર અને માંડવીના હેવાલ બાદ આજે
બપોર સુધીમાં ભુજ અને કચ્છભરમાંથી પણ અનેક પેટ્રોલપંપ પર કતારો બાદ સાથે ક્યાંક `નો સ્ટોક'ના બોર્ડ લાગી ગયા હતા.
બીજીતરફ, કંડલા મુંદરા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફર એસો.એ
ટ્રેડ નોટિસ જાહેર કરીને ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે અને
જણાવ્યું છે કે, રિટેલ ડીઝલ ઉપલબ્ધતા ઓછી હોવાથી ટ્રાન્સપોર્ટ કામગીરી સામાન્ય રીતે ચલાવવી
મુશ્કેલ બની છે. આ સંજોગો વચ્ચે જો કે, જિલ્લા પુરવઠા તંત્રે
ખોટો ગભરાટ ન ફેલાવવા અને સંગ્રહાખોરીથી દૂર રહેવા ફરી તાકીદ કરી હતી.
ભુજમાં ફોન શરૂ
દરમ્યાન આજે બપોર બાદ જિલ્લા મથક
ભુજ, ગાંધીધામ,
મુંદરા, માંડવી, નલિયામાં
પેટ્રોલ-ડીઝલ નહીં મળે તેવી અફવાને પગલે પેટ્રોલપંપ ઉપર લાઇનો લાગવાનું શરૂ થયું
હતું, અન્ય સ્થળે ક્યાંક અછત થઇ હોવાથી ટેલિવિઝનના સમાચાર
અને વોટ્સએપ પર અફવાની બજાર ગરમ બનતાં `કચ્છમિત્ર'માં પણ ફોન શરૂ થઇ ગયા
હતા. અચાનક વાહનોની કતારો લાગતાં ખુદ પેટ્રોલપંપ સંચાલકો પણ મૂંઝવણમાં મુકાઇ ગયા
હતા અને અમને કોઇ કંપની તરફથી માલ નથી તેવી સૂચના નથી મળી છતાં આવું શા માટે
? ભુજમાં બસ સ્ટેશન પાસે પેટ્રોલપંપ ચલાવતા જયેશ શાહે કહ્યું કે,
મારી પાસે સ્ટોક પૂરતો છે અને એક ટેન્કર તો ભરેલું છે, ઉતારવાની જગ્યા નથી, છતાં વાહનચાલકોની કતાર લાગતાં
અમે સમજાવીએ પણ પેટ્રોલની ના પાડતા નથી. કંપનીવાળાનો સંપર્ક કર્યો, તો ત્યાંથી પણ અછત છે એવી વાત સામે આવી નથી.
ભુજના મુંદરા રોડ પર લાઇન લાગી
છે, તેવા
સમાચાર મળતાં ત્યાંના સંચાલક નરેશ રાઠીને પૂછતાં તેમણે પણ કહ્યું કે, અત્યારે અમારી પાસે કોઇ અછત નથી.
કંપની પાસે પૂરતો સ્ટોક છે. પેટ્રોલપંપ એસો.ના પ્રમુખ વિમલ ગુજરાલ કહે છે કે,
આગળ જતાં યુદ્ધની સ્થિતિ કેવી હશે તેના પર નિર્ભર છે, માત્ર મંડળી અને કંપનીઓ માટે ડીઝલના ભાવ વધતાં અન્ય પેટ્રોલપંપ પર ભારણ
વધ્યું છે. બાકી ક્યાંય કોઇ અછત નથી, છતાં શા માટે લાઇનો
લાગે છે.
ગાંધીધામમાં મોટી લાઇનો
અછત ઊભી થઈ હોવાની અફવા બાદ આજે બપોરના 2 વાગ્યા બાદ ગાંધીધામ-આદિપુરના જુદા-જુદા પેટ્રોલપંપ
ઉપર વાહનચાલકોની લાઈનો લાગી હતી.
એકસાથે મોટી સંખ્યામાં વાહનચાલકો
પેટ્રોલપંપ આવી પહોંચતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. જો કે, સ્થિતિને નિયંત્રણમાં
લેવા માટે પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શન તળે સ્થાનિક પોલીસે
પેટ્રોલપંપ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોડી સાંજ સુધી પંપ ઉપર વાહનચાલકોની લાંબી-લાંબી
કતાર યથાવત્ રહી હતી. પેટ્રોલપંપના સંચાલકોએ પૂરતાં પ્રમાણમાં ઈંધણનો જથ્થો
હોવાનું કહી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.
મુંદરામાં જથ્થો ખૂટયો
મુંદરામાં રવિવારે સાંજથી અચાનક
પેટ્રોલ-ડીઝલની અછતની વાત ફેલાતાં લાંબી લાઈનો લાગી હતી અને સ્ટોક ખૂટી પડયો હતો.
કેટલાક તો સમાચાર મળતાં જ રાત્રે ઊંઘ પડતી મૂકીને પેટ્રોલ ભરાવવા લાઈનમાં ઊભી ગયા
હતા. એ જ રીતે સોમવારે સવારે પણ પેટ્રોલપંપ ઉપર લાંબી લાઈનો જારી રહી હતી. એક
પેટ્રોલ પંપ પર વિતરણ બંધ થતાં બીજામાં એટલી લાંબી લાઈનો લાગી હતી કે જથ્થો ખૂટી
જાય. બીજીતરફ, ગાંધીધામ શહેર અને તાલુકા વિસ્તારમાં પણ પંપો પર સોમવારે સવારથી કતાર લાગી
હતી અને બપોર સુધીમાં `આઉટ ઓફ સ્ટોક'નાં પાટિયાં લાગી ગયાં
હતાં. રાપરથી પણ કતારો સાથે પેટ્રોલની અછતની વાતોથી અફરાતફરી મચી ગઈ હતી. માંડવીમાં કતારો બાદ પેટ્રોલપંપો બંધ થતાં
લોકોએ સાંજે કોડાય ચાર રસ્તે આવીને કતારો લગાવી હતી. દરમિયાન સૂત્રોએ કહ્યું કે,
પેટ્રોલ કરતાં ડીઝલનું વિતરણ વધુ અવરોધિત બન્યું છે, તેની પાછળ ટ્રાન્સપોર્ટરોની સંગ્રહાખોરી પણ કારણભૂત છે. સામાન્ય લોકો
વધુમાં વધુ પોતાના કાર કે દ્વિચક્રી વાહનોની ટાંકી ફુલ કરાવે છે, પણ ટ્રાન્સપોર્ટરો આગળના સમયમાં મુશ્કેલી ન પડવાના ભયથી 500થી 1000 લિટર
જેટલો ડીઝલનો જથ્થો ડિલરો સાથે મળીને સંગ્રહાખોરી કરવા ચોકઠા ગોઠવી રહ્યા હોવાની
પણ ગંભીર વાતો બહાર આવી છે. જેને કારણે આ તંગી ઊભી થઈ રહી છે. સરકારી તેલ કંપનીઓના
એક અધિકારીએ નામ નહીં આપવાની સાથે કહ્યું હતું કે, કંપનીઓ માટે જરૂરી કાચો માલ ક્રૂડ તેલની
સપ્લાય માટેના ઓર્ડર ત્રણ મહિના અગાઉ અપાતા હોય છે અને એ આવી જ રહ્યો છે. હોર્મુઝ
ખાડી સિવાયની લાઇનમાંથી પણ ક્રૂડ તેલ ભારત આવી જ રહ્યું છે. આ કામચલાઉ અફવા ઊભી થઈ
છે.
રાપરમાં પોલીસ આવી
રાપરના જલારામ પેટ્રોલિયમ અને
અન્ય પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલનું વેચાણ બંધ કરીને પોલીસ બોલાવવી પડી હતી. છેલ્લા બે દિવસથી રમજાન ઈદ અને રવિવાર હોવાથી
પેટ્રોલ -ડીઝલનું પરિવહન અસરગ્રસ્ત થતાં વાગડનાં આડેસર-રાપર જેવા મોટાં ગામોમાં
પેટ્રોલ -ડીઝલની તંગી સર્જાઈ હતી,
જેમાં અફવાઓથી લોકોએ પેટ્રોલ -ડીઝલનો સ્ટોક કરવા પંપ પર વાહનો,
કેરબા, ડ્રમ વગેરે લઈને હલ્લાબોલ કર્યો હતો.
પેટ્રોલપંપ માલિકોએ લોકોને સમજાવી વિવેકબુદ્ધિ વાપરીને મર્યાદિત માત્રામાં વિતરણ
ચાલુ રાખ્યું હતું પણ જેમ-જેમ અફવા ફેલાતી ગઈ તેમ-તેમ ધસારો વધતો ગયો અને અમુક
પેટ્રોલપંપો પર જથ્થો ખલાસ થઈ જતાં જે પેટ્રોલપંપ પર વેચાણ ચાલુ હતું ત્યાં લોકોનો
ખૂબ મોટા પ્રમાણમાં ધસારો થવાથી વેચાણ બંધ કરીને પોલીસ બોલાવવી પડી હતી. રાપરમાં
પ્રાગપર ચોકડીએ આવેલા પેટ્રોલપંપના માલિક બળવંત ઠક્કરે જણાવ્યું હતું કે, સવારથી રાબેતા મુજબ વેચાણ ચાલુ હતું. સ્ટોક પણ પૂરતો હતો, પણ લોકોની અને વાહનોની મોટી સંખ્યામાં ભીડ થતાં વિતરણ બંધ કરીને પોલીસ
બોલાવવાની ફરજ પડી હતી. જો કે, સાંજ સુધીમાં અન્ય પેટ્રોલપંપ
ઉપર પણ પેટ્રોલ -ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં આવી જતાં રાબેતા મુજબ વેચાણ ચાલુ
થઈ જવાનું અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ પેટ્રોલપંપ માલિકોએ કરી હતી.
તંગીની વાત ગામડાં સુધી
તંગીના સમાચાર ગામડાં સુધી
વહેતાં થયા પછી પાવરપટ્ટીના નિરોણા,
લોરિયા, સુમરાસર-શેખ સુધી ગ્રામીણ વિસ્તાર
આસપાસ આવેલા પેટ્રોલપંપ પર વાહનોની ભારે ભીડ જામી હતી. નિરોણા નજીક નખત્રાણા
હાઇવેને અડીને આવેલા પેટ્રોલપંપ પર વાહનોના ભારે ધસારાને લઇ વ્યવસ્થા સંભાળવા નિરોણા પોલીસ સ્ટેશનના કર્મીઓને પણ
તૈનાત થવું પડયું હતું.
દયાપરમાં બેઠક
દયાપરમાં આજે મામલતદાર કચેરીએ
પેટ્રોલપંપના ડીલરો સાથે બેઠક યોજાઇ હતી. મામલતદાર નવીનચંદ્રભાઇ મારૂએ બેઠકમાં
પેટ્રોલ-ડીઝલનું નિયમિત વિતરણ ચાલુ રાખવા તથા મોટા બેરલ કે જથ્થામાં પેટ્રોલ ન
આપવા તેમજ કોઇ જાતની અફવા ન ફેલાય તેનું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું.
નખત્રાણામાં અફરાતફરી
નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલની
અછત થવાની ભીતિથી પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલ ખરીદવા વાહનચાલકોની ભીડ તેમજ તેલ
કંપનીઓએ પેટ્રોલપંપ ઉપર સ્ટોક મર્યાદા જાળવવા, સંગ્રહખોરી ઘટાડવા ક્રેડિટ બંધ કરતાં અનેક
પંપ ઉપર તેલનો જથ્થો પૂરો થતાં વધુમાં અફવાનાં કારણે પંપ ઉપર ડીઝલ-પેટ્રોલ ખરીદવા
અફરાતફરી મચી ગઇ હતી.
ભચાઉમા પણ આજે સવારથી દિવસભર
પેટ્રોલ ડીઝલ ભરાવવા નાના મોટા વાહનોની કતારો લાગી.ગઈ હતી .વર્તમાન પરિસ્થિતિ ને
લઇ હવે ભાવ વધશે કે અછત થશે તેવી માન્યતા સાથે સૌ કોઈ પંપ તરફ વાહનો લઈને આવ્યા
હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ભચાઉ માં તો ખટ્ટારશ જે સી બી વાળા આવી ગયા હતા
રાંધણ ગેસની ઘરે ઘરે સેવા બંધ થતાં બાટલો લેવા પણ ડેપો પર જવું પડે છે એટલે પુન? લાઈનમા ઉભવા થી સમય નો
વ્યય વધતી જાય છે. કે વાય સી માટે પણ અનેક વૃધોનાં આંટા વધી ગયા છે. પંપ પર મહિલાઓ
માટે એક બુથ આપતાં રાહત થઈ હતી.
પરિવહન દરોમાં મંગળવારથી 20 ટકાનો
થયો વધારો
કંડલા-મુંદરા કન્ટેનર
ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશન દ્વારા હાલના પરિવહનના દરોમાં તમામ ગંતવ્યો માટે 20 ટકાનો
વધારો કરવામાં આવ્યો છે, જે તા. 24/3/2026થી લાગુ થશે તેમજ 24 કલાક
અગાઉ ચૂકવણુ કરવું ફરજિયાત રહેશે. કારણ કે,
તમામ સહાયક સપ્લાયર્સ પણ આ શરતો ઉપર જ કામ કરી રહ્યા છે. મધ્યપૂર્વમાં પરિસ્થિતે લઈને આ ભાવવધારો કરાયો છે. પરિસ્થિતિ
સામાન્ય બનતાં આ ભાવ વધારો પાછો ખેંચાશે, તેવું એસો.ના
પ્રમુખ ભગરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું. શ્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે,
યુદ્ધના કારણે ડીઝલ સપ્લાય રિટેલ પંપ મર્યાદિત હોવાના કારણે પરિવહન
ઉદ્યોગકારો ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ ટાયર અને સ્પેરપાર્ટની કિંમતમાં ત્રણથી ચાર ટકાનો વધારો
થયો છે. ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવ રૂા. 112 પ્રતિ લિટર સુધી વધવા લાગ્યા છે.
આકસ્મિક પરિસ્થિતિમાં સમયસર આયાત-નિકાસની હિલચાલ સુનિશ્ચિત કરવા માટે વધારે ભાવે
ડીઝલ ખરીદવા માટે મજબૂર બન્યા છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ ભાવવધારો કરાયો
હોવાનું સંગઠને એક યાદીમાં જણાવ્યું હતું.
પુરવઠા તંત્ર કહે છે અફવાથી દૂર
રહેજો
મુંદરા, તા. 23 : કચ્છભરના
પેટ્રોલ-ડીઝલપંપ પર કતારો અને પંપો ખાલી થઈ જવાની ઘટનાઓ બહાર આવ્યા બાદ સંપર્ક
કરતાં જિલ્લા પુરવઠા અધિકારીએ કહ્યું હતું કે, હાલ એવી ગંભીર સ્થિતિ નથી અને આમ છતાં અમે
કયાં સ્થળે કેટલો જથ્થો છે, એની આકારણી શરૂ કરી દીધી છે.
સંગ્રહાખોરીના પ્રશ્ન પર કહ્યું હતું કે, તંત્ર આકરા પગલાં
લેવા સજ્જ છે. પુરવઠા અધિકારી અર્શ હાશમીએ
કહ્યું હતું કે, હાલની જથ્થાની પરિસ્થિતિનું સમગ્ર જિલ્લાનું
આકલન કરવામાં આવી રહ્યું છે, એટલે અત્યારે ચોક્કસ આપણા આંકડા
નહીં આપી શકાય, પરંતુ તેલ માર્કાટિંગ કંપનીઓને જરૂરી સૂચનાઓ
અપાઇ ચૂકી છે અને એમના તરફથી કોઈ ગંભીર સ્થિતિ હોવાનું કહેવામાં નથી આવ્યું.
દરમિયાન, આ પરિસ્થિતિ સંદર્ભે આવતીકાલે સવારે જિલ્લા
કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે, જ્યારે સંગ્રહાખોરી
વધવાની ઊઠેલી ફરિયાદો પર તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું
કોઈ કૃત્ય નહીં ચલાવાય, આમ છતાં કોઈ કરશે તો તંત્ર આકરી
કાર્યવાહી કરવા સજ્જ છે, પણ હાલ તુરંત કોઈ અફવા ફેલાવાથી દૂર
રહેવાનું છે.