દયાપર (તા. લખપત), તા. 14 : ગુજરાતના
ખૂણે-ખૂણેથી આવતી એસ.ટી. બસ માતાના મઢ સવારના જ આવી જાય છે જે આખો દિવસ પડી રહે છે.
સાંજે પરત જાય છે તેના બદલે એસ.ટી. બસોને વર્માનગર કે નારાયણ સરોવર સુધી લંબાવાય તો
પ્રવાસીઓને સુવિધા મળી શકે તેવી માંગ ઊઠી હતી. હિંમતનગર, કપડવંજ, સિદ્ધપુર,
ગઢડા, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી આવતી એસ.ટી.બસો માતાના મઢ ચાચરા કુંડ પાસે દરરોજ પાર્કિંગ
થઈ જાય છે જે પુન: સાંજે ઊપડે છે. જો આ એસ.ટી. બસને વર્માનગર, નારાયણ સરોવર સાથે જોડવામાં આવે તો પ્રવાસીઓને સુવિધા મળે તેમ છે. હાલમાં પાલનપુર
(વડનગર)- માતાના મઢને દયાપર સુધી લંબાવાઈ છે. દયાપરના બદલે બસને નારાયણ સરોવર સુધી
લંબાવાય તો પ્રવાસીઓને સુવિધા મળે. આ એસ.ટી. રૂટ લંબાવવા ભાજપના અગ્રણી કુલદીપસિંહ
ચાવડાએ વડનગર પાલનપુર વિસ્તારના એસ.ટી. વિભાગીય નિયામકને પત્ર લખીને માગણી કરી હતી.
વડનગર પાલનપુરથી આવતી એસ.ટી. બસ દયાપર રોકાય છે, પરંતુ આખી રાત્રિનો
ઉજાગરો કર્યા બાદ દયાપર ડ્રાઈવર-ક્લીનરને પેટ્રોલ પંપ પર નીંદર કરવી પડે છે. જે અપૂરતી
ઊંઘ થતાં જોખમનું કારણ બને છે તેના બદલે વર્માનગર-ના. સરોવર રૂટ લંબાવાય તો ત્યાં ડ્રાઈવર-ક્લીનરને
ઊંઘ માટે સુવિધા મળી શકે. એસ.ટી. બસના અન્ય રૂટોના સમય પણ બદલાવવા જરૂરી છે. વહેલી
સવારે ના. સરોવર-રાજકોટ, ના. સરોવર-ભુજ, ના. સરોવર-રાધનપુર, મોટી છેર-વર્માનગર-ભુજ મોટાભાગે એક
જ સમયે દયાપરથી પસાર થાય છે. તો બપોરના પણ ના. સરોવર-બાટવા, ના.
સરોવર-મુંદરા એકસાથે આવતી હોય છે. બસના રૂટના સમયમાં થોડું અંતર હોય તો મુસાફર મળી શકે. બીજી બાજુ લખપત તાલુકામાં આવતી
એસ.ટી. બસ 95 ટકા એકસપ્રેસ
બસ છે. મિનીબસ, લોકલ બસ પણ ચાલુ થાય તે
જરૂરી છે. હાલમાં મોટા રૂટની લોકલ બસ મુંદરા
-નારાયણ સરોવરને વારંવાર રદ કરાય છે. સાંજે 5:30 ભુજથી દયાપર આવવા આ રૂટ મહત્ત્વનો છે અને મુસાફરો પણ મળી રહે
છે, છતાં વારંવાર રૂટને રદ કરતાં લોકો ત્રાસી ગયા
છે. સાંજે 7 વાગ્યે જામનગર-નારાયણ
સરોવર છે પણ લાંબા રૂટની બસ વહેલી- મોડી આવે છે,
વળી રાત્રે ના.સરોવર મોડી પહોંચતાં અન્નક્ષેત્ર બંધ થઈ જાય છે. ડ્રાઈવર-ક્લીનર
નખત્રાણા ખાનગી રેસ્ટોરેન્ટમાં 20 મિનિટ જમવા વિરામ લે છે.
સાંજે 7 વાગ્યે મુખ્યમથક દયાપરને જોડતી એસ.ટી. બસની
સુવિધા ચાલુ કરવા નાગરિકોએ જણાવ્યું હતું.