• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

આસામમાં બ્રહ્મપુત્ર નદી નીચે દોડશે રેલ અને વાહનો !

નવી દિલ્હી, તા. 14 : આર્થિક મામલાની કેબિનેટ કમિટી (સીસીઈએ)એ દેશના પહેલા અન્ડરવોટર ટ્વિન ટયુબ રોડ-રેલ ટનલ પ્રોજેક્ટનાં નિર્માણને મંજૂરી આપી દીધી છે. આસામમાં બ્રહ્મપુત્ર નદીની નીચે બનનારા દેશના સૌપ્રથમ એવા રોડ-કમ-રેલ ટનલ સહિત ફોરલેન એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ કોરિડોર પરિયોજનાને લગભગ 18,662 કરોડ રૂપિયાની પડતરથી વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ આસામમાં બનશે પણ તેની અસર રાજ્યની બહાર પણ થશે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને બીજા ઉત્તર પૂર્વ વિસ્તારની કનેક્ટિવિટી વધારે સારી બનશે. આ ઉપરાંત સીસીઈએએ એક લાખ કરોડ રૂા.ની કેન્દ્રીય સહાયથી શહેરી પડકાર ભંડોળ (યુસીએફ) શરૂ કરવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં એનએચ-56ને ચાર લેનમાં વિકસિત કરાશે. મહારાષ્ટ્રમાં એનએચ-160એ તેમજ તેલંગાણામાં એનએચ-167નું વિસ્તૃતીકરણ કરાશે. સ્ટાર્ટઅપ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા 10 હજાર કરોડ રૂા.ના `સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડસ-2.0'ને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમા કસારા-મનમાડ, દિલ્હી-અંબાલા અને બલ્લારી-હોસપેટે વચ્ચે ત્રીજી અને ચોથી રેલ લાઈન બનાવવાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 12 જિલ્લાને કવર કરતી ત્રણ મલ્ટિ ટ્રેકિંગ પરિયોજનાને મંજૂરી આપી છે, જેની કુલ પડતર 18509 કરોડ રૂપિયા છે. આ મંજૂરીથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં 389 કિલોમીટરની વૃદ્ધિ થશે. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, શહેરી માળખાગત સુવિધાઓને મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે કુલ 1 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય સાથે શહેરી પડકાર ભંડોળ (યુસીએફ) શરૂ કરવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, કેન્દ્રીય સહાય પ્રોજેક્ટના ખર્ચના 25 ટકા ભાગને આવરી લેશે, જો કે ઓછામાં ઓછું 50 ટકા ભંડોળ બજારમાંથી એકત્ર કરવામાં આવે. આ પહેલથી આગામી પાંચ વર્ષમાં શહેરી ક્ષેત્રમાં કુલ રૂા. 4 લાખ કરોડનું રોકાણ થશે.  આ પગલું ભારતા શહેરી નવા વિકાસ અભિગમમાં ગ્રાન્ટ-આધારિત ધિરાણથી બજાર સંલગ્ન, સુધારા આધારિત અને પરિણામલક્ષી માળખાગત નિર્માણ તરફ એક આદર્શ પરિવર્તન દર્શાવે છે એવું તેમણે જણાવ્યું હતું. 

Panchang

dd