• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

સબૂર ચીન...ભારતનો સંદેશ

નવી દિલ્હી, તા. 14 : ચીનને સીધો સંદેશો આપતાં ઘટનાક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસામના પ્રવાસે પહોંચ્યા હતા અને ત્યાં તેમનું સી-130 જે વિમાન ચીનની સીમા નજીક આવેલા અસામના દિબ્રુગઢમાં બનાવાયેલા પ્રથમ ઈમર્જન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઈએલએફ) પર ઉતારવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીયમંત્રી સર્બાનંદ સોનોવાલે તેમનું સ્વાગત કર્યું હતું. એક દિવસીય પ્રવાસ દરમિયાન  મોદીએ મોરાન બાયપાસ પાસે આવેલી આપાતકાલીન ઊતરાણ સુવિધા (ઈએલએફ) સહિત અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક દૃષ્ટિએ અને કુદરતી આપત્તિઓ વખતે આ ઇમર્જન્સી ઊતરાણ સુવિધા બહુ મહત્ત્વપૂર્ણ બની રહેશે. રાજ્યમાં થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે પીએમની હાજરીમાં મોરાન બાયપાસ પર ફાઇટર અને ટ્રાન્સપોર્ટ વિમાનો તેમજ હેલિકોપ્ટર દ્વારા હવાઈ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં આ પ્રકારની ઈએલએફ  સુવિધા પ્રથમ વખત બનાવવામાં આવી છે, જ્યાં સૈન્ય તેમજ નાગરિક વિમાનોને ટેકઓફ અને લેન્ડિંગ કરવાની સુવિધા મળશે. આ પ્રદેશમાં ચીનના ચંચુપાત અને  સખળડખળનાં કારણે તેને ચીન માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ લેન્ડિંગ સુવિધા ઇન્ડિયન એરફોર્સ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ આકસ્મિક પરિસ્થિતિઓમાં મજબૂત પ્રતિક્રિયા ક્ષમતા ઊભી કરવાનો છે. કુદરતી આપત્તિ અથવા પડોશી દેશ સાથે તણાવની સ્થિતિમાં તેનો વ્યૂહાત્મક ઉપયોગ કરી શકાય છે. આ સુવિધા 40 ટન સુધીના લડાકુ વિમાનો અને 74 ટન સુધીના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર થયેલી છે. દિબ્રુગઢની ઈમર્જન્સી લેન્ડિંગ ફેસિલિટી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પોતાની પ્રકારની પ્રથમ સુવિધા છે. જો કે, ઉત્તરપ્રદેશના આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે અને પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર પણ આવી સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત, ઓડિશાના બાલાસોર અને આંધ્રપ્રદેશના નેલ્લોરમાં પણ આવી સુવિધા છે, પરંતુ દિબ્રુગઢમાં બનેલી આ સુવિધા વધુ મહત્ત્વ ધરાવે છે કારણ કે તે ચીનની સીમા નજીક આવેલી છે.  

Panchang

dd