અમદાવાદ, તા. 14 : અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
પર સુકાની એડન માર્કરમ (86)ની અણનમ અર્ધસદી
અને માર્કો યાનસને ચાર વિકેટ ખેરવીને મચાવેલા તરખાટની મદદથી દક્ષિણ આફ્રિકાએ શનિવારે
જીતની હેટ્રિક કરી હતી. આફ્રિકી ટીમે 176નું લક્ષ્ય માત્ર ત્રણ વિકેટ પાર પાડી, ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હાર આપી હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પહેલાં બોલિંગનો કરેલો
નિર્ણય એકદમ યોગ્ય સાબિત થયો હતો અને ન્યૂઝીલેન્ડે તેની સામે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
જેને 17.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકાએ પાર કરી
લીધો હતો. વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ
આફ્રિકાના ઓપનર એડન માર્કરમે અણનમ રહીને 4 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે મારફાડ ઈનિંગ રમીને 44 દડામાં 86 રન ફટકારીને ન્યૂઝીલેન્ડના
બોલરોને ઝૂડી નાખ્યા હતા. ડી કોક 20 રન બનાવીને, રીકલ્ટન 21 અને ડીવાલ્ડ બ્રેવિસ પણ 21 રન બનાવીને પેવેલિયન પરત ગયા
હતા, જ્યારે ડેવિડ મિલર 24 રન સાથે માર્કરમ સાથે અણનમ
રહ્યો હતો. આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં
બાટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 64 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી
હતી. ટીમ સેરિફેટ અને રચિન રવીન્દ્ર 13-13 રને અને ગ્લેન ફિલિપ માત્ર
એક રને પેવેલિયન ભેગા થયા હતા. આ દરમિયાન ફિન એલને 17 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 31 રન કર્યા હતા. બાદમાં માર્ક
ચેપમેને ન્યૂઝીલેન્ડની ઈનિંગને સંભાળતા 26 બોલમાં 6 ચોગ્ગા અને
2 છગ્ગાની મદદથી 48 રન કર્યા હતા. ચેપમેન આઉટ થયા
બાદ ડેરિલ મિચેલ પણ 24 બોલમાં 32 રન કરીને વિકેટ ગુમાવી બેઠો
હતો અને 141 રને ન્યૂઝીલેન્ડની છઠ્ઠી વિકેટ
પડી હતી. ચેપમેન અને મિચેલ વચ્ચે 44 બોલમાં 74 રનની મહત્ત્વની
ભાગીદારી થઈ હતી. બંનેની વિકેટના કારણે ન્યૂઝીલેન્ડ દબાણમાં આવ્યું હતું અને રન રેટને
બ્રેક લાગી હતી. મિચેલ સેન્ટનર પણ ચાર રનમાં આઉટ થયો હતો. અંતિમ ઓવરોના દક્ષિણ આફ્રિકાના
બોલરોએ દબાણ બનાવ્યું હતું અને મોટા શોટ્સ બચાવ્યા હતા. આ દરમિયાન જેમ્સ નિશમએ સંઘર્ષ
કરીને 15 બોલમાં 23 રન કર્યા હતા, જેની મદદથી ન્યુઝીલેન્ડનો સ્કોર 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને
175 રન સુધી પહોંચ્યો હતો. દક્ષિણ
આફ્રિકા તરફથી મેક્રો યાનસેન સૌથી સફળ બોલર રહ્યો હતો અને ચાર વિકેટ ઝડપી હતી.