નવી દિલ્હી, તા. 14 : મેદાન બહારના
નાટકીય ઘટનાક્રમો અને રાજનીતિક દાવપેચ બાદ આઈસીસી ટી-20 વિશ્વકપનો સૌથી બહુપ્રતિક્ષિત
મહા મુકાબલો અંતે નક્કી કાર્યક્રમ અનુસાર થવા જઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન રવિવારે
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં આમને-સામને આવશે અને સૂર્યસેના પ્રબળ દાવેદાર તરીકે
ઊતરશે. પાકિસ્તાન સામેની ટક્કરમાં ભારતનો દબદબો રહ્યો છે. કોલંબોમાં વરસાદની આગાહીએ રમતપ્રેમીઓમાં ચિંતા સર્જી
છે. ભારત ત્રણ સ્પિનર સાથે આવે છે કે કેમ એ જોવાનું રસપ્રદ રહેશે. અભિષેક શર્મા ફિટ
થઈ ગયો હોવાના અહેવાલ છે. ભારતે પોતાના અભિયાનની શરૂઆત અમેરિકા ઉપર જીત સાથે કરી હતી.
સૂર્યકુમાર યાદવે આકરી સ્થિતિમાં મહત્ત્વની ઈનિંગ્સ રમીને ટીમને સંભાળી હતી અને જીત
અપાવી હતી. ત્યારબાદ ભારતે દિલ્હીમાં નામીબિયાને 93 રને હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાનને નેધરલેન્ડ સામે આકરા
પડકારનો સામનો કરવો પડયો હતો. સતત જીત સાથે
ભારત લયમાં છે અને માનસિક સરસાઈ પણ ધરાવે છે. ભારત પાસે અનેક મેચ વિજેતા ખેલાડીઓ છે.
મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. છેલ્લા એક દશકમાં ભારતનો
પાકિસ્તાન ઉપર સતત દબદબો રહ્યો છે. ભારતે કોલંબોના
આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં શાનદાર સફળતા પણ મેળવી છે. 2009થી અત્યાર સુધીમાં કોલંબોમાં
રમાયેલી 15 ટી-20 મેચમાં ભારતને 11માં જીત અને 4માં હાર મળી છે. આઈસીસી ટી-20 વિશ્વકપ 2012માં ભારતે આ મેદાન ઉપર પાંચમાંથી
ચાર મેચ જીતી હતી, જ્યારે એકમાત્ર
હાર ઓસ્ટ્રેલિયા સામે મળી હતી. શ્રીલંકા ઉપરાંત માત્ર ઓસ્ટ્રેલિયા જ આ મેદાન ઉપર ભારતને
હરાવી શક્યું છે. કોલંબોમાં ટી-20 મેચમાં ફાસ્ટ અને સ્પીન બંને
બોલરને સફળતા મળી છે. ઝડપી બોલરોએ 323 વિકેટ લીધી છે, જ્યારે સ્પીનરોના નામે 282 વિકેટ છે. હાલમાં જ વનીંદુ હસરંગા અને માહેશ તીક્ષ્ણાએ આયર્લેન્ડના
બોલરોને રોક્યા હતા, જ્યારે એડમ
જામ્પાએ શાનદાર ચાર વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહની વાપસી ભારત માટે
થોડી મજબૂતી લાવી શકે છે, જ્યારે પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પીનર
ઉસ્માન તારીક અને અબરાર અહેમદને પણ ભારત સામે મોટું હથિયાર માનવામાં આવે છે. રવિવારે
મુકાબલામાં નિર્ણય માત્ર સ્પીનથી જ નહીં થાય. ઝડપી બોલર પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે
છે.