• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

પુન: પ્રાણપ્રતિષ્ઠાએ કોડાય બન્યું શિવમય

કોડાય (તા. માંડવી), તા. 14 : રૂકમાવતી નદી કિનારે આવેલાં કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પરિવારની મૂર્તિઓના પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ અવસરે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.   કોટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ કોડાય - મદનપુરા ગામના સનાતન સમાજનાં આયોજન હેઠળ વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. ખોડલધામનાં આઈ ગંગામાના આશીર્વાદ બાદ પ્રસ્થાન કરેલી શોભાયાત્રાએ ગામમાં પરિભ્રમણ કર્યું હતું, જેમાં પિયાવાની રાસ મંડળીની રમઝટે ભારે જમાવટ કરી હતી. પુન: પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ, મૂર્તિ સ્થાપના તથા મહાપ્રસાદના દાતાઓ  તરીકે સ્વ. ગાવિંદભાઈ મેઘજી રામજિયાણી, સ્વ. નાનુબેન ગાવિંદ રામજિયાણી પરિવાર, સ્વ. નારણભાઈ મેઘજી રામજિયાણી તથા ગં. સ્વ. કસ્તૂરબેન નારણ રામજિયાણી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ટ્રસ્ટીઓ દ્વારા તમામ દાતાઓ, સહયોગીઓ આભાર વ્યક્ત કરાયો હતો, સાંજે રાસ ગરબામાં વિશાલ ગઢવીએ ગરબા અને લોકગીતની રમઝટ બોલાવી હતી. યજ્ઞના આચાર્યપદે હષિતભાઈ જોશી રહ્યા છે, વ્યવસ્થા ટ્રસ્ટીઓ અને વિષ્ણુ સમાજના યુવાનોએ સંભાળી હતી. 

Panchang

dd