• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

બિદડાને `વેલનેસ વિલેજ'ની ઓળખ આપવામાં સરકાર સહભાગી બનવા તૈયાર

બિદડાની મુલાકાતે આવેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છનાં ગ્રામીણ આરોગ્ય માળખાંમાં દાયકાઓથી સેવા આપતાં આ અનોખાં ગામને એક `વેલનેસ વિલેજ'નો નવતર દરજ્જો આપીને આરોગ્ય સેવાની સાથે પ્રવાસનના નવતર સમન્વયને સાધવાની કચ્છમિત્રની દરખાસ્તને વધાવી લીધી હતી. બિદડામાં સરકાર અને દાતાઓના સંયુક્ત સહયોગથી આકાર લેનારા આ પ્રસ્તાવિત વેલનેસ વિલેજની દરખાસ્તમાં નાયબ મુખ્યમંત્રીએ હકારાત્મક રસ બતાવ્યો હતો અને આગામી દિવસોમાં આ બાબતે નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવાની સંમતિ વ્યક્ત કરી હતી. કચ્છમિત્ર વતી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલાએ આ વેલનેસ વિલેજના વિચારથી નાયબ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે અને કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઇ વરચંદે આ નવતર વિચારને વધાવી લીધો હતો અને તેનાથી કચ્છમાં એક સાવ નવી સુવિધા ઊભી થશે એવો સૂર પૂરાવ્યો હતો. કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર સોળે કળાએ ખીલ્યું છે, ત્યારે આ વેલનેસ વિલેજ તેમાં એક નવી આભા ઊભી કરશે અને આરોગ્ય પ્રવાસનને વેગ આપશે એવી આશા સૌએ વ્યક્ત કરી હતી. 

Panchang

dd