• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ભુજમાં સુરક્ષિત યાતાયાત માટે એક માર્ગે આવન, બીજેથી જાવન

ભુજ, તા. 14 : એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોના કારણે જીવલેણ અકસ્માતો થકી ગઈકાલે રાતે રહેવાસીઓએ ચક્કાજામ કરતાં આજે તંત્રે હરકતમાં આવી ખાસ બેઠક બોલાવી નવેરસથી જાહેરનામું બહાર પાડયું છે, જેમાં હવે નખત્રાણા-માંડવી બાજુથી આવતાં ભારે વાહનો પ્રિન્સ રેસિડેન્સીથી કોડકી ચાર રસ્તા થઈ મહિલા આશ્રમ તરફ જશે, જ્યારે ભચાઉ-અંજાર તરફથી આવતાં ભારે વાહનો નળ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસિડેન્સી તરફ જશે. આમ એક માર્ગ આવવા અને એક માર્ગ જવા માટે નક્કી થયો છે. કચ્છમાં ઉદ્યોગની આંધળી દોટને લઈને ધોરીમાર્ગો પર દોડતાં યમદૂતસમા મહાકાય ભારે વાહનો થકી અકસ્મતો રોજિંદા બન્યા છે. અગાઉ ભુજના આરટીઓ પાસેથી આવાં ભારે વાહનો પસાર થતાં હતાં, ત્યારે પણ અનેક અકસ્માતોમાં મહામૂલી જિંદગી મોતના ખપ્પરમાં હોમાતાં ભારે વિરોધના  પગલે અહીંથી ભારે વાહનો એરપોર્ટ રોડ પર ડાયવર્ટ કરાયા. આ વિસ્તારમાં પણ અનેક સોસાયટીઓ, હોટેલ-રેસ્ટોરેન્ટ, મોલ, સુપર માર્કેટ, થિયેટર આવેલાં હોવાથી માર્ગ ધમધમતો જ હતો, ત્યારે ભારે વાહનોની આવન-જાવનથી આ વિસ્તારના લોકોને જીવવું દુષ્કર બની ગયું હતું, હવે છેલ્લા બે-ત્રણ દિવસમાં જ આ જ માર્ગ પર બેફામ દોડતા ભારે વાહનો થકી બે યુવાનનાં મોતથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગઈકાલે રાતે રહેવાસીઓએ ચક્કાજામ કરી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. જેને પગલે આજે જિલ્લા સમાહર્તાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પોલીસ તથા વહીવટી તંત્રની ખાસ બેઠક બોલાવી ફરી જાહેરનામું બહાર પાડયું છે, જેમાં હવે બંને માર્ગે ભારે વાહનોની આવન-જાવન રહેશે, જેમાં એક માર્ગ પર આવન, તો બીજા માર્ગ જાવન થકી બંને માર્ગે ટ્રાફિકને અડધો-અડધો વળાશે. 15/3/26 સુધી આ રૂટ પર નિયમન કરવા કલેક્ટરે હુકમ સાથેનું જાહેરનામું બહાર પાડયું છે. દરમ્યાન શહેરના એરપોર્ટ રોડ પર ઉપરાઉપરી જીવલેણ અકસ્માતના મામલે રોષે ભરાયેલા એરપોર્ટ રોડ વિસ્તારની વસાહતના નાગરિકોએ ગઈકાલે રાત્રે રસ્તો બંધ કરાવીને હલ્લાબોલ કર્યો હતો. એક બાજુ આ માર્ગે વિસ્તૃતીકરણનું કામ ચાલે છે. બીજી બાજુ ભારે વાહનોની સતત અવરજવરના કારણે અકસ્માતના બનાવો વધ્યા છે, ત્યારે આવા યમદૂતસમા ભારે વાહનોની પ્રવેશબંધી કરાવવા વસાહતોના લોકોએ માંગ કરી ચક્કાજામ કરતાં મામલો ગરમાયો હતો. મોડી રાત સુધી ચક્કાજામ પછી પોલીસની ખાતરી પછી શાંતિ થઈ હતી. અહીંથી ભારે વાહનોને ચલાવવાને બદલે જયનગર રિંગરોડ પરથી ચલાવવાના સવારના નિર્ણયને પગલે સવારથી પ્રિન્સ રેસીડેન્સી પાસે ટ્રાફિકજામ થયો હતો, તો આગળ પ્રમુખસ્વામી ચોકડી પાસે પણ જામ વધતાં પ્રમુખસ્વામી નગર સહિતના વિસ્તારોના લોકોએ વિરોધ કરતાં આજે બીજા શનિવારના કારણે રજા હોવા છતાં કલેક્ટર અને સાંસદ વિનોદ ચાવડાએ તાત્કાલિક અસરથી આજે સવારે બેઠક બોલાવી હતી. રહેવાસીઓ સાંસદ સુધી પહોંચ્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હોવાથી તાકીદની બેઠકમાં કલેક્ટર, સાંસદ, પોલીસવડા, માર્ગ મકાન વિભાગ, વીજતંત્ર, પ્રાંતઅધિકારી વગેરે હાજર રહ્યા હતા. કલેક્ટર આનંદ પટેલે તમામ વિભાગોએ સંકલન સાધીને નવેસરથી કઈ રીતે વાહનો ચલાવવા તેની દરખાસ્ત કરવામાં આવે તો તાત્કાલિક અસરથી નવું જાહેરનામું બહાર પાડવાની ખાતરી આપી હતી. કલેક્ટર શ્રી પટેલે જણાવ્યું હતું કે, રસ્તાનું કામ ચાલે છે એટલે અકસ્માત થાય છે, તો તેના વિકલ્પ શોધવા અને કામમાં અવરોધરૂપ વીજ થાંભલા 10 દિવસમાં હટાવી દેવાની તાકીદ કરાઈ છે. જ્યાં-જ્યાં જરૂર છે ત્યાં સ્પીડબ્રેકર મૂકવામાં આવે અને વી.આઈ.પી. આગમન વખતે અગર બમ્પ તોડવામાં આવે તો ફરી તુરંત લગાવી દેવાની પણ સૂચના આપી હતી. પોલીસ દ્વારા આ રસ્તે કાયમી પોલીસ બંદોબસ્ત લગાડવા પણ જણાવવામાં આવ્યું હતું. અધૂરું કામ ઝડપભેર પૂર્ણ કરવા આર. એન્ડ બી.ને સૂચના આપી હતી. - ભુજમાં હવે આ રીતે ભારે વાહનોની અવર-જવર : નખત્રાણા અને માંડવીથી આવતાં ભારે વાહનો પ્રિન્સ રેસીડેન્સીથી કોડકી ચાર રસ્તાથી મહિલા આશ્રમ તરફનો માર્ગ ઉપયોગમાં લઇ શકશે. : મુંદરાથી આવતા ભારે વાહનો એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સીથી કોડકી ચાર રસ્તાથી મહિલા આશ્રમ તરફનો માર્ગ ઉપયોગમાં લઇ શકશે. : ખાવડાથી આવતાં ભારે વાહનો મહિલા આશ્રમ જંક્શનથી નળ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી તરફનો માર્ગ ઉપયોગમાં લઇ શકાશે. : ભચાઉ અને અંજાર તરફથી આવતાં ભારે વાહનો નળ સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી તરફનો માર્ગ ઉપયોગમાં લઇ શકશે.

Panchang

dd