• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

સ્પોર્ટસ સંકુલ નિર્માણમાં સરકાર સમાન સહાય માટે સજજ્

બિદડા, તા. 14 : `િબદડા જેવું સ્પોર્ટસ સંકુલ બીજા કોઇ તાલુકામાં કે સંસ્થાઓ દ્વારા બનાવાશે તો સરકાર તેમાં સમાન ભાગીદાર બનશે. સરકાર સંકુલ બનાવે અને સંસ્થા સંચાલન કરે કે તમે બનાવો, ચલાવવા અર્પણ કરો, બંને પ્રકારની દરખાસ્તો લઇને આવો, એક `સ્પોર્ટસ કલ્ચર' રમત સંસ્કૃતિ ઊભી કરો, આવી સંસ્કૃતિ ન માત્ર આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરશે બલ્કે, સશક્ત મન, અન્ય સામાજિક દૂષણોને પણ દૂર કરશે એમ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ શનિવારે અહીં અત્યાધુનિક રમત સંકુલને ખુલ્લું મૂકતાં જણાવ્યું હતું. - ક્રિડાંગણ અને એકેડમીની કચ્છને ભેટ : બિદડા માનવ મંદિરની બાજુમાં કચ્છ યુવક સંઘ સંચાલિત સરલાબેન શાંતિલાલ તેજશી શાહ ક્રિડાંગણ અને શાંતિલાલ રતનશી પટેલ (રૂડાણી) સ્પોર્ટસ એકેડેમી ખાતેનાં સંકુલમાં શનિવારે સાંજે યોજાયેલા  ભવ્ય સમારોહમાં `હરિકો ભવન' અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકતાં હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, કચ્છમાં આ સંસ્થાઓ સાથે જૂનો નાતો છે, વતન માટે આપવું કચ્છની તાસીર છે, સંસ્થાઓની સમસ્યા માટે સંકલન બેઠક રાખીશું. આખું સ્પોર્ટસ સંકુલ અને રમત સંસ્કૃતિ એ માત્ર મેડલ માટે નથી, એ યુવાનોનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે, જિલ્લાને આનાથી મોટી કોઇ ભેટ નથી. - `યુ ટર્ન' પહેલ બિરદાવાઈ : કચ્છભરમાંથી અગ્રણીઓ અને ખાસ કરીને મુંબઇથી મોટી સંખ્યામાં વતનીઓની હાજરી વચ્ચે યોજાયેલા સમારોહમાં બોલતાં નાયબ મુખ્યમંત્રીએ `યુ-ટર્ન' કચ્છમાં પાછા વસોની પહેલને બિરદાવી હતી. વધુમાં કહ્યું કે, એવો સંકલ્પ દરેક સમાજ ન લઇ શકે કે, જે વ્યક્તિ પોતાનાં માત-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે, એની પાસેથી એક રૂપિયો પણ દાન ન લેવું. આવા મજબૂત નિયમ માટે આગળ આવવું પડશે, સ્પોર્ટસ સંકુલમાં ઊભી કરાયેલી વ્યવસ્થાઓને અદ્ભુત ગણાવતાં તેમણે કહ્યું કે, કચ્છ યુવક સંઘ જોડે 20 વર્ષથી સંકળાયેલો છું. ભુજની શાળામાં રહેવાનો, સેવાનો અવસર મળી ચૂકયો છે. દિલીપભાઇ દેશમુખનું નામ લેતાં તેમણે ઉમેર્યું કે, જ્યારે મળે ત્યારે કચ્છ અને બિદડાની વાત અચૂક હોય. દુકાળ વર્ષ હોય, શિક્ષણ હોય, ભૂકંપ બાદ 11 ગામનું પુનર્વસન હોય, નર્મદા નીર માટે કે રેલવે માટેની લડત હોય, આ સંસ્થાનો સંઘર્ષ આવનારી પેઢી  યાદ રાખશે. યુવાનોને આવા સમાજકાર્ય પાઠ દુનિયાની કોઇ યુનિવર્સિટીમાં નહીં મળે, તેની તાલીમ આપવી જોઇએ. સાત એકરમાં ફેલાયેલા આ સંકુલમાંથી તાલીમ લઇને 20230ના ભારતના કોમનવેલ્થ રમતોત્સવમાં એક મેડલ અપાવશે એવો મને વિશ્વાસ છે. શ્રેષ્ઠ તાલીમ માટે સરકાર મદદ કરશે. - દાતાઓનું ના. મુખ્યમંત્રીના હસ્તે સન્માન : આ પહેલાં હરિકો ભવનના દાતા અને કચ્છ યુવક સંઘના સ્થાપક મોવડી કોમલભાઇ રવજી છેડા, હરીશભાઇ રવજી છેડા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સના દાતા સરલાબેન શાંતિલાલ તેજશી શાહ પરિવાર, સ્પોર્ટસ એકેડમીના દાતા શાંતિલાલ રતનશી પટેલ, ઇન્ડોર ગેમ્સના દાતા એન્કરવાલા પરિવાર વતી સંજયભાઇ દામજીભાઇ શાહ, ગ્રાઉન્ડ ફ્લોરના દાતા પ્રફુલભાઇ પાસડ, અનિલ ડુંગરશીભાઇ ગાલા તેમજ જયંતભાઇ શામજી છેડા સહિત વિવિધ દાતાઓનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. આ પહેલાં કચ્છ યુવક સંઘ પ્રમુખ રાહુલભાઇ દેઢિયાએ આવકાર આવતાં જણાવ્યું કે, આમ વિદ્યાર્થીઓથી આગળ વધેલી બિદડાની શાળામાંથી આજે ખેલાડીઓ જિલ્લા અને રાજ્ય જ નહીં, રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી રહ્યા છે. - એન્કરવાલા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પોથી અનેકનું જીવન બચાવાયું : હર્ષભાઈ : એન્કરવાલા પરિવાર દ્વારા આયોજિત કેમ્પોમાં અત્યાર સુધી 2,53,000 યુનિ થયેલું રક્તદાન એ માત્ર યુવાનોને સામાજિક સેવા તરફ વાળવાનો પ્રયાસ જ નથી. બલ્કે, અનેક લોકોનું જીવન બચાવાયું છે એવો હર્ષભાઈએ પોતાના વક્તવ્યમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો. - સ્પોર્ટસ કલ્ચર એ મેડલ માટે જ નહીં, દૂષણ નાબુદ કરવા પણ જરૂરી છે. - હર્ષ સંઘવી -નાયબ મુખ્યમંત્રી - દેશની પ્રગતિનો સ્પોર્ટસ સાથે નાતો. કચ્છનાં બાળકો ઓલિમ્પિક મેડલ મેળવે એવી અપેક્ષા. - સંજયભાઇ એન્કરવાલા- સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને દાતા - કચ્છ - યુવક સંઘે શિક્ષણ સેવાથી યાત્રા શરૂ કરી અને રમતગમત સહિત સેવા પ્રવૃત્તિમાં આગળ વધે છે. - કોમલભાઇ છેડા -કચ્છ યુવક સંઘના સંરક્ષક - સ્પોર્ટસ પ્રવૃત્તિ માટે સેવા કરવા પ્રતિબદ્ધ, કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના રમતવીરોને મોટો લાભ મળશે.  - શાંતિલાલભાઇ રતનશી પટેલ - એકેડમીના દાતા - રમત પ્રવૃત્તિને પ્રોત્સાહનનો આનંદ. ખેલકૂદને વેગ અને ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ ઝળકવાની અપેક્ષા. - ભાવનાબેન શાહ લાલકા - ક્રીડાંગણ પરિવારના દાતા  

Panchang

dd