• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ગાંધીધામમાં એક કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

ગાંધીધામ, તા. 9 : સંકુલમાં આજે સવારથી જ અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો, જેને પગલે સાંજ સુધીમાં મેઘરાજા દસ્તક દેવાની ધારણાં બંધાઇ હતી, ત્યારે આ સંભાવના યથાર્થ ઠરી હતી અને રાત્રિના ગાજવીજ સાથે માત્ર 1 કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ઠેરઠેર જળભરાવની સ્થિતિ ઊભી થઈ હતી. પંચરંગી એવા આ સંકુલમાં ચોમાસાના આરંભમાં કાળઝાળ ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. દરમ્યાન મેઘરાજાએ પધરામણી કરી હતી અને શરૂઆતના તબક્કામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેવામાં આજે પુન: મેઘો મન મૂકીને વરસતાં જોડિયાનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષની લાગણી પ્રસરી ગઇ હતી. ગાંધીધામ, આદિપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ અસહ્ય બફારો અનુભવાયો હતો. બપોર બાદ ધાબડિયો માહોલ સર્જાતાં વરસાદ પડવાની સંભાવના ઊઠી હતી. આતુરતાનો અંત આણીને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં મેઘરાજાએ મહેર કરી હતી. એકાદ કલાક સુધી ચાલેલી હરખની હેલીથી ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ધોધમાર વરસાદનાં કારણે જોડિયાનગરના સુંદરપુરી, ચાવલાચોક, મુખ્ય બજાર, શકિતનગર, અપનાનગર, સેક્ટર વિસ્તાર, ગણેશનગર, ભારતનગર તેમજ આદિપુરની શાકમાર્કેટ, 80 બજાર તેમજ અનેક સ્થળોએ જળભરાવના દ્રશ્યો સર્જાયાં હતાં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang