• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

રાજકીય શતરંજ અને સોગઠાંબાજી

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મોટો ફેરફાર કરતાં નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે અને પત્ર દ્વારા તાજેતરમાં વિવિધ રાજ્યો માટે નવા પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય મુખ્યાલયના પ્રભારી તરુણ ચુગને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાત ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની જવાબદારી હવે તરુણ ચુગના ખભા પર રહેશે. તરૂણ ચુગ અગાઉ ભાજપના સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ગુજરાતને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે ત્યારે તરુણ ચુગ હવે ભૂપેન્દ્ર યાદવની જગ્યાએ પ્રભાર સંભાળશે. ભૂપેન્દ્ર યાદવની આગેવાનીમાં ગુજરાત ભાજપ મજબૂત બન્યું છે. હાલમાં સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યાં છે ત્યારે આગામી ચૂંટણીની તૈયારીઓ અને સંગઠનાત્મક કામગીરીને વધુ વેગ આપવાના હેતુથી તરુણ ચુગની પસંદગી મહત્વપૂર્ણ બની શકે છે. હવે રાજ્યમાં પાર્ટીના સંગઠન, કાર્યકર્તાઓ સાથે સંકલન અને ચૂંટણીલક્ષી કામગીરીમાં પ્રભારી તરીકે તેમની ભૂમિકા મહત્વની રહેશે.  ભાજપે ઉત્તર પ્રદેશ માટે પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે રાષ્ટ્રીય મંત્રી જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ભાજપ માટે રાજકીય રીતે અત્યંત મહત્વનું રાજ્ય હોવાથી બંને નેતાઓ સામે સંગઠનને વધુ મજબૂત કરવાની મોટી જવાબદારી રહેશે. બીજી તરફ, ભાજપે પંજાબ માટે ડો. સતીશ પુનિયાને નવા પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપના નવા રાષ્ટ્રીય સંગઠનાત્મક ફેરફારોને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.આ તમામ વરિષ્ઠ નેતાઓ આગામી સમયમાં પોતપોતાના ફાળવાયેલા રાજ્યોમાં પક્ષના કાર્યકરો સાથે સમન્વય સાધીને સંગઠનને તળમૂળથી વધુ મજબૂત કરવા માટે સક્રિય રીતે કામ કરશે. નવી નિમણૂકો બાદ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ભાજપનું સંગઠન કઈ રીતે આગળ વધે છે અને ચૂંટણીની તૈયારીઓને કેટલો વેગ મળે છે તેના પર સૌની નજર રહેશે.

Panchang

dd