અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના
રાજકારણમાં આગામી 2027ની વિધાનસભા
ચૂંટણીને લઈને હલચલ અત્યારથી જ તેજ થઈ ગઈ છે. આ જ ક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી
અને અગ્રણી નેતા હર્ષ સંઘવી છેલ્લા ત્રણ દિવસમાં બીજીવાર દિલ્હીના પ્રવાસે રવાના થયા
છે. તેમની આ અચાનક અને સતત દિલ્હી મુલાકાતે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓને
વેગ આપ્યો છે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે સંઘવી
દિલ્હીની મુલાકાતે ગયા હતા. જોકે મુખ્યમંત્રી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હર્ષ સંઘવીની આ દિલ્હી મુલાકાત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય 2027ની વિધાનસભા ચૂંટણી માટેની
રણનીતિ ઘડવાનો અને સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાનો છે. દિલ્હીમાં તેઓ ભારતીય
જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજવાના છે.