• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

હવે જેન-ઝી સાથે આરએસએસનો સંવાદ

નવી દિલ્હી, તા. 4 : દિલ્હીના જંતરમંતર પર `કોકરોચ જનતા પાર્ટી' (સીજેપી)નાં વિરોધ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં જેન-ઝીની ભાગીદારી બાદ રાજકીય મોરચે નવી પેઢીથી સંવાદના પ્રયાસો શરૂ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદર્શન દરમ્યાન જ ઈન્સ્ટાગ્રામ પર સક્રિય થયા હતા અને રીલ શેર કરી રહ્યા હતા. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ જેન-ઝીથી જોડાવાની તૈયારી કરી છે. આ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત 100થી વધુ શહેરમાં યુવાનો સાથે સંવાદ કરશે. આ દરમ્યાન બે હજારથી વધુ યુવાનના સામેલ થવાનું અનુમાન છે. મળતી જાણકારી અનુસાર `ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સ' (આઈઆઈએમયુએન)ની 15મી વર્ષગાંઠે વાર્ષિક ચેમ્પિયનશિપ પરિષદનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત છઠ્ઠી ઓગસ્ટે દેશના 100 શહેરના 15થી 19 વર્ષના વિદ્યાર્થી સાથે મોહન ભાગવત વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સંવાદ કરશે. આ કાર્યક્રમનું આયોજન મુંબઈના અંબાણી સેન્ટરમાં થશે. ઉલ્લેખનીય છે કે, આઈઆઈએમયુએન યુવાઓનું એક પ્લેટફોર્મ છે, જે 40થી વધુ દેશમાં ફેલાયેલું છે. આરએસએસ અનુસાર 2011માં તેની સ્થાપના થઈ હતી અને તેનું સંચાલન પણ યુવાનો દ્વારા જ કરવામાં આવે છે, અત્યાર સુધીમાં તેની સાથે 7.5 કરોડ યુવાનો જોડાયા છે. તાજેતરમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે, યુવાનો સાથે સંવાદ કરીને જ કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જેન-ઝી 1997થી 2012 વચ્ચે જન્મેલી પેઢીને કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વીતેલા દિવસો દરમ્યાન સીજેપીએ નીટ-યુજી પેપર લીક મામલે દેખાવો કર્યા હતા. તે પછી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તેમના પદ પરથી રાજીનામું આપવું પડયું હતું. આ પછી આરએસએસે કહ્યું હતું કે, સમયની સાથે બદલવું ખૂબ જરૂરી છે. ભાગવતે તે વખતે જણાવ્યું હતું કે, પરિવર્તન એક સ્વાભાવિક પ્રક્રિયા છે અને વ્યક્તિએ અનુભવોથી સતત શીખતા રહેવું જોઈએ.

Panchang

dd