• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

વાહનનો વીમો નહીં હોય તો ઈંધણ નહીં મળે

નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટે વાહન વીમા અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ અંતર્ગત, અદાલતે વીમા નિયામક આઈઆરડીએઆઈને નવાં વાહનો માટે ફરજિયાત થર્ડ પાર્ટી મોટર વીમાનો સમયગાળો લંબાવવાનો નિર્દેશ આપ્યો છે. હવે નવી કાર માટે થર્ડ પાર્ટી વીમો ત્રણ વર્ષથી ચાર વર્ષ અને નવા ટુ-વ્હીલર માટે પાંચ વર્ષથી છ વર્ષ ફરજિયાત રહેશે. આ આદેશ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચ દ્વારા અકસ્માત વળતર કેસમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની અપીલને ફગાવતાં જારી કરવામાં આવ્યો હતો. કોર્ટે વીમા વિના રસ્તાઓ પર દોડતાં વાહનો અંગે પણ કડક ટિપ્પણીઓ કરી તેવાં વાહનોને ઈંધણ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમે આ મામલે કેન્દ્ર સરકારનું સૂચન માગ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે, 2018ના નિર્દેશ છતાં મોટી સંખ્યામાં વાહનો વીમા વિના રસ્તાઓ પર દોડે છે, તેથી માર્ગ સલામતી અને અકસ્માત પીડિતોનાં કલ્યાણ માટે વીમા સમયગાળામાં એક વર્ષનો વધારો જરૂરી છે. સુપ્રીમ કોર્ટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આઈઆરડીએઆઈ)ને આ સંદર્ભમાં તાત્કાલિક જરૂરી માર્ગદર્શિકા જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આઈઆરડીએઆઈને વીમા નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. વીમા ચકાસણી હેતુ માટે હાઇ-વે અને રસ્તાઓ પર સ્થાપિત ઓટોમેટિક નંબરપ્લેટ રેકગ્નિશન (એએનપીઆર) કેમેરાને વીમા ડેટાબેઝ અને વાહન પોર્ટલ સાથે જોડવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો. કોર્ટે વીમા એજન્સી અને સરકારને કહ્યું છે કે, પેટ્રોલ પંપ પર વાહનોના વીમાની સ્થિતિ ટેક્નોલોજી દ્વારા તપાસવા માટે એક સિસ્ટમ વિકસાવવી જોઈએ, જેથી વીમા રિન્યૂ ન થાય ત્યાં સુધી વીમા વગરનાં વાહનોને ઇંધણ પુરવઠો બંધ કરી શકાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, પોલીસ કર્મચારીઓને એવાં ઉપકરણો અથવા મોબાઇલ એપ્લિકેશનો પ્રદાન કરવા જોઈએ જેના દ્વારા તેઓ સ્થળ પર જ વાહનના વીમાની ચકાસણી કરી શકે અને ચલણ જારી કરી શકે. સર્વોચ્ચ અદાલતે દેશમાં વીમા વગરનાં વાહનોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંસદીય સમિતિના અહેવાલને ટાંકીને કોર્ટે જણાવ્યું હતું કે, ભારતમાં આશરે 56 ટકા વાહન માન્ય વીમા વિના કાર્યરત છે. આશરે 30.48 કરોડ વાહનોમાંથી 16.54 કરોડ વાહનો વીમા વગરનાં છે. કોર્ટે જણાવ્યું હતું કે, મોટર વાહન કાયદાની કલમ 146 હેઠળ ફરજિયાત થર્ડ પાર્ટી વીમાનો હેતુ માત્ર અકસ્માત પીડિતોને વળતર આપવાનો નથી, પરંતુ તેમને લાંબી કાનૂની કાર્યવાહીથી બચાવવાનો પણ છે.

Panchang

dd