નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે જો કોઈ
લિવ ઇન સંબંધ પૂરી રીતે વિવાહની પ્રકૃતિનો છે અને બન્ને પક્ષો વચ્ચે લગ્નનો ઈરાદો હતો
તો આવા મામલામાં પુરુષ સામે મહિલા સાથે ક્રૂરતાના આરોપમાં ભારતીય દંડ સંહિતાની ધારા
498(એ) હેઠળ મુકદ્મો ચલાવી શકાય
છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની પીઠે કહ્યું હતું કે ધારા 498(એ) એવા લિવ ઇન ઉપર પણ લાગુ
થઈ શકે છે જે લગ્ન જેવા સંબંધના રૂપમાં સ્થાપિત હોય અને જેમાં વિવાહ કરવાની ઈચ્છા સંબંધનો
મહત્ત્વપૂર્ણ હિસ્સો રહી હોય. જો કે અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, દરેક લિવ ઇન સંબંધમાં ધારા 498(એ) લાગુ નથી નથી. મહિલાએ સાબિત
કરવું પડશે કે બન્ને પક્ષો વચ્ચે લગ્નનો ઈરાદો હતો અને સંબંધ વૈવાહિક પ્રકૃતિનો હતો.
જેમાં દોષિત સાબિત થવા ઉપર ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં
ત્યારે પહોંચ્યો હતો જ્યારે કર્ણાટક હાઇ કોર્ટે આરોપીઓ સામે ચાલી રહેલી અપરાધિક કાર્યવાહીને
રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. મામલામાં મહિલાએ આરોપ મૂક્યો હતો કે યુવકે પહેલા લગ્નની
જાણકારી છુપાવીને લગ્ન કર્યા હતા. બાદમાં દહેજ ઉત્પીડન, ક્રૂરતા અને જાનથી મારી નાખવાની કોશિશ થઈ હતી.
આરોપીની દલીલ એવી હતી કે બીજા લગ્ન કાયદાકીય રીતે અમાન્ય હોવાથી ધારા 498-એ હેઠળ પતિ માની શકાય નહીં.
જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 498-એનો હેતુ મહિલાઓને ઘરેલુ ક્રૂરતાથી રક્ષા આપવાનો છે અને સમાજમાં
બદલતા સંબંધોને ધ્યાને રાખીને કાયદાની વ્યાખ્યા થવી જોઈએ.