નવી દિલ્હી, તા. 3 : દુનિયાના
સૌથી મોટા મહાસાગર અંગે વૈજ્ઞાનિકોએ ચિંતાજનક ભવિષ્યવાણી કરી છે. વૈજ્ઞાનિકોને મહાસાગરનાં
અસ્તિત્વને લઈને જ ચિંતા છે. વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગર સંકોચાવા પાછળ ટેક્ટોનિક
પ્લેટ્સને જવાબદાર ઠેરવી છે. પ્રશાંત મહાસાગર પૃથ્વીની સપાટી ઉપર રહેલી સૌથી મોટી સંરચના
છે અને ધીરે ધીરે સંકોચાઈ રહી છે. જો કે આ પ્રક્રિયા પૂરી થવામાં 20-30 કરોડ વર્ષ લાગી શકે છે. એક
વખત પ્રક્રિયા પૂરી થવાથી અમેરિકા અને એશિયા જોડાઈ જશે અને અમેસિયા નામના મહાદ્વીપનો
જન્મ થશે. એનઓએએ ઓશન એક્સપ્લોરેશને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પ્રશાંત મહાસાગર
155 મિલિયન વર્ગ કિલોમીટરથી વધારે
વિસ્તારમાં ફેલાયેલો છે. ધરતી ઉપર રહેલા તમામ મહાદ્વીપો અને દ્વીપોનો કુલ જમીની વિસ્તાર
લગભગ 149 મિલિયન વર્ગ કિલોમીટર છે. આ
રીતે પ્રશાંત મહાસાગર એકલો જ કુલ જમીની વિસ્તાર કરતા મોટો છે અને તેમ છતાં ઘણી જગ્યા
બચે છે. દુનિયાના મહાસાગરોનો અડધો હિસ્સો પ્રશાંત મહાસાગરમાં છે. રિપોર્ટમાં કહેવામાં
આવ્યું છે કે પ્રશાંત મહાસાગર લગભગ સબડક્શન ઝોનથી ઘેરાયેલો છે. જેને રિંગ ઓફ ફાયર પણ
કહેવામાં આવે છે. આ ખીણ, ભૂકંપ અને
જ્વાળામુખીઓનો એક બેલ્ટ છે. જે મહાસાગરના કિનારે-કિનારે ફેલાયેલો છે. પેસિફિકમાં પોતાની
એક ફેલાતી રિઝ પણ છે જેને ઈસ્ટ પેસિફિક રાઈઝ કહે છે. જો કે આસપાસની ખીણમાં જમીનનો એટલો
મોટો હિસ્સો ધસી રહ્યો છે કે તેનાથી વિસ્તાર સંકોચાઈ રહ્યો છે. જો કે પેસિફિકનો આકાર
જે ઝડપે સંકોચાઈ રહ્યો છે તેમાં વર્ષો લાગી શકે છે અને એ પણ 20-30 કરોડ વર્ષ જેટલો સમય હોય શકે
છે. આ સ્થિતિ સર્જાવાથી મહાદ્વીપ એકસાથે મળીને અમાસિયા નામનો નવો ખંડ બનાવશે કારણ કે
ધીરે ધીરે અમેરિકા અને એશિયા પરસ્પર જોડાઈ જશે. ઓસ્ટ્રેલિયા પણ પહેલાથી જ દર વર્ષે
7 સેન્ટીમીટરની રફતારે એશિયા તરફ આગળ વધી
રહ્યું છે.