પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા.22 : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તેના હસ્તકના વિવિધ સરકારી બાંધકામો માટે જમીન માગણી અંગેના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના વખતોવખતના ઠરાવો અને નીતિ-નિયમોની જોગવાઈ મુજબ સરકારના વિવિધ વિભાગો તથા તેમના તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન અને જિલ્લા કચેરીઓના બાંધકામ માટે જમીનની માંગણી કરવામાં આવે ત્યારે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા માપદંડ મુજબ જિલ્લા પંચાયત ભવન માટે મહત્તમ 12,000 ચો.મી. જમીન, તાલુકા પંચાયત ભવન માટે મહત્તમ 3,500 ચો.મી. જમીન અને ગ્રામ પંચાયત ઘર માટે વસ્તી પ્રમાણે 300થી 500 ચો.મી. સુધી જમીનનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. 5,000થી ઓછી વસ્તી ધરાવતા ગામો માટે મહત્તમ 300 ચો.મી., 5,000થી 10,000 વસ્તી ધરાવતા ગામો માટે મહત્તમ 350 ચો.મી. અને 10,000થી વધુ વસ્તી ધરાવતા ગામો માટે મહત્તમ 500 ચો.મી. જમીનનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીના નિવાસસ્થાન માટે `ઈ-ટુ' પ્રકાર મુજબ મહત્તમ 1,600 ચો.મી. અને તાલુકા વિકાસ અધિકારીના નિવાસસ્થાન માટે `ડી' પ્રકાર મુજબ મહત્તમ 300 ચો.મી. જમીનની જોગવાઈ રાખવામાં આવી છે. ઉપરાંત તાલુકા મથકે આરામગૃહ માટે અંદાજિત 1,800 ચો.મી. અને જિલ્લા મથકે આરામગૃહ માટે અંદાજિત 2,500 ચો.મી. જમીન ધોરણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. કોમ્યુનિટી હોલ માટે વસ્તી મુજબ અંદાજિત 350થી 1,500 ચો.મી. જમીનનું ધોરણ રાખવામાં આવ્યું છે, જ્યારે આંગણવાડી માટે અંદાજિત 100 ચો.મી., પુસ્તકાલય માટે 100 ચો.મી અને અટલવાડી માટે અંદાજિત 1,200 ચો.મી. જમીનનું ધોરણ નક્કી કરાયું છે. સામૂહિક શૌચાલય માટે અંદાજિત 72 ચો.મી. જમીનનો માપદંડ રાખવામાં આવ્યો છે. ગ્રામીણ સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સંબંધિત માળખાં માટે પણ વિગતવાર ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. 2 એમ એલડી સુધીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 1,500થી 1,700 ચો.મી. જમીન, દરેક વધારાના એમએલડી પાછળ 200 ચો.મી. વધારાની જમીન, 2 એમએલડી સુધીના ગ્રેવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 1,200થી 1,500 ચો.મી., તેમજ દરેક વધારાના એમએલડી પાછળ 200 ચો.મી. વધારાની જમીન નક્કી કરવામાં આવી છે. વધુ વસ્તીવાળા ગામોમાં પાંપિંગ સ્ટેશન માટે 200 ચો.મી. અને પીવાના પાણીના સંપ માટે વસ્તી મુજબ 250થી 400 ચો.મી. જમીનનું ધોરણ નક્કી થયું છે.