• મંગળવાર, 24 માર્ચ, 2026

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો : હર્ષ સંઘવી

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી અને બિનજરૂરી રીતે પંપો પર ભીડ ન કરવી. સંઘવીએ એમ પણ કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઈંધણને લઈને અનેક પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ વાસ્તવમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. સ્ટોક સપ્લાય માટે રાજ્ય સરકારની પૂરતી તૈયારી છે અને પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર ગંભીરતાપૂર્વક નજર રાખી રહી છે. ઈંધણના પુરવઠા અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રીવ્યુ લેવામાં આવી રહ્યા છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે. સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. વધુમાં, મંત્રીએ અફવા ફેલાવનારા અને કાળાબજારી કરનારા તત્વોને કડક ચેતવણી આપતાં જણાવ્યું કે, જે લોકો ખોટી માહિતી ફેલાવીને જનતામાં ભય પેદા કરશે અથવા આ પરિસ્થિતિનો લાભ લઈને કાળાબજાર કરવાનો પ્રયાસ કરશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ  મોના ખાંધારે પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં પૂરતો ઇંધણનો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Panchang

dd