નવી દિલ્હી, તા. 23 : પશ્ચિમ
એશિયામાં યુદ્ધથી સર્જાયેલી પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે
પહેલીવાર જાહેર નિવેદન કર્યું હતું. મોદીએ દેશવાસીઓને સાવધાન કરતાં કહ્યું હતું કે, યુદ્ધથી સર્જાયેલી વિકટ
પરિસ્થિતિની અસર લાંબા સમય સુધી રહી શકે છે. એટલે આપણે તૈયાર રહેવું પડશે. આપણે
કોરોનાકાળના કપરા સમયમાં પણ એકજૂટતાથી પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ, એ જ રીતે ફરી તૈયાર રહેવાની જરૂર છે. શાંત મન સાથે પડકારોનો સામનો જ આપણી
તાકાત છે તેવું મોદીએ કહ્યું હતું. સંકટ જરૂર છે, પરંતુ
ગભરાવાની જરૂર નથી, તેવી ધરપત પણ વડાપ્રધાને આપી હતી. મોદીએ
સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નાગરિકો પર હુમલા નામંજૂર
છે. સાથોસાથ હોર્મુઝનો રસ્તો રોકવો પણ અસ્વીકાર્ય છે. લોકસભામાં 25 મિનિટના
ભાષણમાં વડાપ્રધાને કહ્યંy હતું કે, નિર્દોષ નાગરિકો અને
પાવરપ્લાન્ટ પર હુમલા મંજૂર નથી. મોદીએ એ પ્લાન બીનો ઉલ્લેખ પણ કર્યો હતો જેનાથી
ભારતમાં પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહી છે. પહેલાં ભારત 27 દેશમાંથી
જ ઊર્જાની આયાત કરતું હતું,
જે આંકડો વધીને 41 થઈ ગયો છે. સાથોસાથ ભારતની
રિફાઈનરી ક્ષમતા પણ વધી હોવાનું કહેતાં વડાપ્રધાન બોલ્યા હતા કે, દેશ પાસે 53 લાખ
મેટ્રિક ટન ક્રૂડતેલ ભંડાર છે,
જે વધારીને 65 લાખ મેટ્રિક ટન કરવાનું લક્ષ્ય
છે. પશ્ચિમ એશિયામાં વસતા એક કરોડ ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તાણ ખતમ
થવી જોઈએ. વાતચીતથી જ સમસ્યાનું સમાધાન શકય છે, તેવો સંદેશ વડાપ્રધાને આપ્યો હતો. એ સિવાય
દેશ પાસે પૂરતો અન્ન ભંડાર છે. તેલ અને ગેસ સંકટ ન સર્જાય તેવા પ્રયાસ સરકાર સતત
કરી રહી છે. મોદીએ જણાવ્યું હતું કે, 3 લાખ 75 હજાર
ભારતીયો સુરક્ષિત પાછા આવી ચૂક્યા છે. દેશમાં ઉનાળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે યુદ્ધથી સંભવિત
સંકટ સામે લડવાની તૈયારીરૂપે વીજળીની માંગને પહોંચી વળવા માટે દેશ પાસે કોલસાનો
પૂરતો જથ્થો છે, તેવી ધરપત પણ વડાપ્રધાને આપી હતી. વડા
પ્રધાન અનુસાર ઈરાન યુદ્ધે દુનિયામાં જે મુશ્કેલ સ્થિતિ બનાવી છે તેની અસર લાંબો
સમય સુધી રહેશે. આ માટે આપણે તૈયાર અને એકજૂથ રહેવું પડશે. આ સમયે મોદીએ કોવિડનું
ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે જે રીતે કોરોનાના પડકારનો મળીને સામનો
કર્યો હતો તેવી જ રીતે વર્તમાન સંકટનો પણ સામનો કરવાનો છે. પીએમએ સંસદમાં કહ્યું
હતું કે, પશ્ચિમ એશિયાનાં યુદ્ધ અને ઊર્જા સંકટનો સામનો કરવા
માટે ભારત છેલ્લાં 11 વર્ષથી પોતાને તૈયાર કરી રહ્યું
છે. 11 વર્ષ પહેલા દેશની સૌર ઊર્જા ક્ષમતા 3 ગીગાવોટ
હતી. જે હવે વધીને 140 ગીગાવોટ થઈ છે. છેલ્લાં એક વર્ષમાં દેશભરમાં
40 લાખ
રૂફટોપ સોલાર પેનલ લગાડવામાં આવ્યા છે. શાંતિ એક્ટ મારફતે દેશમાં પરમાણુ ઊર્જા
ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેથી ભવિષ્યમાં ઊર્જા માટે બહારની નિર્ભરતા
ઓછી થઈ શકે. મોદીએ કહ્યું હતું કે જંગ શરૂ થયા બાદ અત્યારસુધીમાં ભારતે દરેક મંચે
ચિંતા વ્યક્ત કરી છે. પોતે પશ્ચિમ એશિયાના તમામ મહત્ત્વના નેતા સાથે વાત કરીને
તણાવ ઘટાડવાની અપીલ કરી હતી. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે સામાન્ય નાગરીકો ઉપર
હુમલા બંધ કરવામાં આવે. ઊર્જા અને પરિવહન માળખા ઉપર હુમલા ન થાય અને વ્યાપારી
જહાજોને નિશાને લેવાની પ્રવૃત્તિ સહન કરાશે નહીં. હોર્મુઝ જેવો આંતરરાષ્ટ્રીય
જળમાર્ગ બંધ કરવો અસ્વીકાર્ય છે. પીએમએ ચેતવણી આપી હતી કે, આવાં સંકટમાં અમુક લોકો
તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. આ માટે તમામ કાયદો વ્યવસ્થા એજન્સીઓને એલર્ટ
ઉપર રાખવામાં આવી છે. સુરક્ષા દરેક મોરચે મજબૂત થઈ છે. તટીય સુરક્ષા, સીમા સુરક્ષા, સાઇબર સુરક્ષા અને રણનીતિક બેઝની
સુરક્ષા વધારવામાં આવી છે.