• સોમવાર, 20 મે, 2024

મતદાનનો આંકડો 60 ટકા ; હાર-જીતની અટકળો

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જે ગત 2019ની લોકસભાની સરખામણીમાં 4.38 ટકા જેટલું ઓછું છે. જેના સ્પષ્ટ સંકેત મનાય છે કે, કાં તો ભાજપની લીડમાં ઘટાડો થશે અથવા ભાજપને ભારે ટક્કરવાળી બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. રાજ્યની એક માત્ર બનાસકાંઠા બેઠક પર ગત 2019 કરતા 3.76 ટકા મતદાન વધ્યું છે. તે સિવાયની તમામ બેઠકો ઉપરના મતદાનમાં 2019ની સરખામણીમાં ઘટાડો થયો છે. વખતની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના આંદોલન અને ભાજપની વિરોધમાં મતદાનની હાકલને કારણે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ઓછા મતદાને ભલભલાને વિચારતા કરી મૂક્યાં છે. જાહેરમાં તો, ભાજપ તમામ 26 બેઠકો મોટી લીડ સાથે જીતી લેવાનો દાવો કરે છે અને સ્થિતિમાં કોંગ્રેસના ચહેરા ઉપર એક દાયકા બાદ કદાચ પ્રથમવાર ઓછો ગભરાટ અનુભવાય છે કેમકે ગત બે લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળતી હતી એટલે વખતે તો, તેના માટે વકરો એટલો નફા-જેવી સ્થિતિ સર્જાઈ છે. 2014 અને 2019ની મોદી-લહેર સાથેની બે ચૂંટણીઓમાં ભાજપને 26માંથી 26 બેઠકો ઉપર જીત મળી હતી પરંતુ વખતે લહેર વગરની સામાન્ય ચૂંટણી, બદલાયેલી રાજકીય સ્થિતિ, ઘણી બેઠકો ઉપર કોંગ્રેસના મજબૂત લડાયક ઉમેદવારો અને થયેલા ઓછા મતદાનથી 6થી 8 બેઠકો ઉપર ચોંકાવનારા પરિણામો આવે એવી સંભાવનાઓ નકારી શકાતી નથી. ભાજપની સ્થાપના બાદથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓમાં 2014 અને 2019ની ચૂંટણીને બાદ કરતાં ક્યારેય 60 ટકાથી વધુ મતદાન થયું નથી. એકમાત્ર 1998ની ચૂંટણીમાં 59.30 ટકા મતદાન થયું હતું ત્યારે ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જાણકારોના નિર્દેશાનાસર વખતે પણ 1998ની પેટર્ન રીપીટ થાય તો નવાઈ પામવા જેવું નહીં રહે. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારબાદ ગુજરાતમાં 1984માં લોકસભાની ચૂંટણી વખતે 57.93 ટકા મતદાન થયું હતું અને ચૂંટણીમાં પ્રથમવાર ઝંપલાવ્યું હતું. આમ છતાં ચૂંટણીમાં ભાજપને દેશમાં મળેલી 2 બેઠકોમાથી એક બેઠક ગુજરાતમાંથી મળી હતી અર્થાત ભાજપે તેની પ્રથમ ચૂંટણીથી ગુજરાતમાં પગ મજબૂત કરવાની શરુઆત કરી દીધી હતી. 1989ની ભાજપની બીજી ચૂંટણી વખતે ભાજપ, કોંગ્રેસ અને જનતાપાર્ટી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ ખેલાયો હતો અને 54.70 ટકા મતદાન થયું હતું. એમાં પણ ભાજપે 12 બેઠક મેળવી હતી. કોંગ્રેસને 11 અને જનતા પાર્ટીને 3 બેઠકો પ્રાપ્ત થઈ હતી. 1991ની ચૂંટણીમાં રાજ્યમાં 44.01 ટકા મતદાન થયું હતું અને ભાજપને 20 તથા કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. આમ તેની સ્થાપના બાદની લોકસભાની ત્રીજી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને પાછળ ધકેલી દીધી હતી. 1996માં ગુજરાતમાં સૌથી ઓછુ 35.92 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 16, કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. 1998ની ચૂંટણીમાં રાજ્યમાં 2024ની લોકસભાની ચૂંટણીની જેમ 59.30 ટકા મતદાન થયું હતું અને તેમાં ભાજપને 19 અને કોંગ્રેસને 7 બેઠકો ઉપર જીત હાંસલ થઈ હતી. એવી રીતે 1999માં 47.03 ટકા મતદાન બાદ ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠકો તથા 2004ની ચૂંટણીમાં 45.80 ટકા મતદાન સાથે ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો ઉપર વિજય હાંસલ થયો હતો. 2014માં યુપીએ સરકાર સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે સરકાર વિરોધી લહેર ઉભી થઈ હતી અને 2019માં પુલવામામાં આંતકી હુમલા બાદ પાકિસ્તાનમાં એર-સ્ટ્રાઈક જેવી ઘટનાઓને કારણે રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો અર્થાત બંને  ચૂંટણીઓ મોદી લહેરમાં યોજાઈ હતી અને એમાં ભાજપે રાજ્યની તમામ બેઠકો ઉપર કેસરિયો લહેરાવ્યો હતો. હવે, વખતે રાજ્યમાં કોઈ લેહર નથી એટલે કે સામાન્ય સંજોગોમાં ચૂંટણી લડાઈ છે પરિણામ સ્વરુપ ભાજપમાં ઉમેદવારોની જાહેરાતની સાથે ઉમેદવારો સામેનો વિરોધ સહિત આંતરિક કલક દેખાયો હતો. જેના કારણે કાંઈક તો નવાજૂની થશે, એવા સંકેત મળી ગયાં હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang